અમદાવાદ : અમદાવાદના સરદાર પટેલ (એસપી) રિંગરોડ ઉપર હવે રેસીડેન્સિયલ અને કોમર્શિયલ બાંધકામો વધ્યા છે. રિંગરોડ પર લોકોને અવરજવર માટે સરળતા રહે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસને હવે રિંગ રોડ પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિંગરોડ પર બે રૂટમાંથી પહેલા રૂટની શરૂઆત પૂર્વ વિસ્તારમાં કરવામાં આવશે. સોમવારે એસપી રીંગ રોડ રૂટ નંબર 1 અસલાલી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીની શરૂઆત થશે. મેયર કિરીટ પરમાર અને ભાજપના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવી બસ રૂટની શરૂઆત કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલ રિંગ રોડ પર હવે લોકોની અવરજવર વધી છે અને લોકોને જાહેર પરિવહનની સુવિધાનો લાભ મળી રહે તેના માટે સરદાર પટેલ (એસપી) રિંગરોડ પર AMTS બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે રિંગરોડ પરના પૂર્વ પટ્ટાનો સૌ પ્રથમ રૂટ અસલાલી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીનો શરૂ કરવામાં આવશે. પૂર્વમાં રૂટની શરૂઆત બાદ આગામી દિવસોમાં પશ્ચિમમાં પણ રૂટ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવશે. રિંગરોડ પર સૌ પ્રથમ અસલાલી સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના રૂટની આવતીકાલે સવારે 10 વાગ્યે કઠવાડા-નિકોલ ક્રોસ રોડ રિંગરોડ પરથી મેયર દ્વારા ફ્લેગ ઓફ કરી શરૂઆત કરાવવામાં આવશે. આ રૂટમાં વટવા ક્રોસ રોડ, રોપડા ચોકડી, વિનોબાભાવેનગર ક્રોસ રોડ, લાલગેબી આશ્રમ(હાથીજણ), રામોલ ક્રોસ રોડ, વસ્ત્રાલ ચોકડી, ઓઢવ ક્રોસ રોડ, નિકોલ કઠવાડા રિંગ રોડ, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, રણાસણ સર્કલ, કરાઈ પોલીસ એકેડમી, ભાટ સર્કલ, તપોવન સર્કલ અને ઝુંડાલ સર્કલ એમ 15 સ્ટોપેજ રહેશે.