અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં છે. અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે અહીં શિક્ષણ અને આરોગ્યની ગેરંટી આપવા આવ્યાં છીએ. અમે દિલ્હીની જેમ અહીં પણ મફતમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધા આપીશું. દિલ્લીમાં અમે 12 લાખ લોકોને રોજગારી આપી છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો અમે આપેલી તમામ ગેરંટી પુરી કરશું. બીજી તરફ દીલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિશ સિસોદિયાએ કહ્યું હતું કે, કેજરીવાલને લોકો એક ઉમ્મીદ તરીકે જોઈ રહ્યાં છે. સીબીઆઈના દરોડા બાદ મારી સામે બે ઓફર આવી હતી. મને ભાજપમાં જોડાવા માટે ઓફર કરાઈ હતી. કેજરીવાલ મારા રાજકીય ગુરુ છે હું રાજનીતિમાં સેવા માટે આવ્યો છું પદ માટે નહી. આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપવામાં આવશે. લોકો સાથે સંવાદ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ હોટલ પર પરત ફરશે. બીજા દિવસે 23 ઓગસ્ટે તેઓ ભાવનગર જવા રવાના થશે. જ્યા તેઓ યુવા અને શિક્ષા બાબતે લોકો સાથે સંવાદ કરશે. ભાવનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ અમદાવાદ પરત ફરશે અને બાદમાં દિલ્લી પરત ફરશે.તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા.આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રોથી માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ઉપર હુમલો થઈ શકે છે જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી,ભાવનગર એસપીને આવેદનપત્ર આપી સુરક્ષાની માગ કરી હતી.