ASI સરવેમાં જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં કમળ, મૂર્તિઓ, મંદિરના પ્રતીક ચિહ્ન મળ્યાનો દાવો

0
15
એએસઆઈની ટીમ સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવે કરી રહી છે
મુસ્લિમ પક્ષ દ્વારા સહયોગ કરાયો, નમાઝ માટે સરવે અટકાવાયો હતો

નવી દિલ્હી : એએસઆઈની ટીમ સતત બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સરવે કરી રહી છે. શનિવારે મુસ્લિમ પક્ષ દ્વારા સહયોગ કરાયા બાદ મસ્જિદના ભોંયરામાં પણ સરવે હાથ ધરાયો હતો. આ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદના ભોંયરામાં મંદિર સંબંધિત અનેક ચિહ્ન મળી આવ્યા છે. હિન્દુ પક્ષના વકીલ અનુપમ દ્વિવેદીએ દાવો કર્યો હતો કે અત્યાર સુધીની તપાસમાં જુદા જુદા પોઈન્ટ પર ટેમ્પલ આર્કિટેક્ટ સામે આવ્યું છે. નમાઝને લીધે બપોરે સરવે અટકાવી દેવાયો હતો. લંચ બાદ તે ફરી શરૂ કરાયો હતો. તેમાં બીજા ભોંયરાની તપાસની સાથે જ હોલની અંદર ઝિણવટપૂર્વક સરવે હાથ ધરાશે. એડવોકેટ અનુપમ દ્વિવેદીએ કહ્યું કે એએસઆઈએ જ્ઞાનવાપીના ભોંયરાની તપાસ શરૂ કરી છે. ત્યાં હિન્દુ મંદિરના નિશાન મળી આવ્યા છે. તેમણે જણાવ્યું કે એએસઆઈના સરવે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં પણ કરાયો હતો. અહીં જીએનએસએસ મશીનની મદદથી થ્રી ડી ઈમેજ તૈયાર કરાઈ હતી. અગાઉ સરવે ટીમ જ્ઞાનવાપી મસ્જિદના મુખ્ય હોલમાં પહોંચી હતી. અહીં સ્તંભ અને દીવાલો પર કમલના ફૂલ, પાંદડા તથા મૂર્તિઓના ચિહ્ન મળી આવ્યા હતા. સંપૂર્ણ હોલનું મેપિંગ કરાયું હતું.