ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ મતદારોને રિઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી એ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેંરટી આપી છે. આજે ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ફ્રી વીજળી આપવામાં આવશે.આજે પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી એ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં કૉંગ્રેસે જાહેરાત કરી છે કે, 2022માં કૉંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે.10મી ઓગસ્ટના રોજ ગુજરાત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, આપ પાર્ટી સત્તા પર આવશે તો ગુજરાત રાજ્યની 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દર મહીને રૂ.1,000નું એલાઉન્સ આપવામાં આવશે.