‘ભાજપના ફાયર બ્રાન્ડ ગણાતા સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રાજપીપળા-રામગઢ વચ્ચેના પુલનાં ખાતમૂર્હૂતમાં મનસુખ વસાવાએ આદિવાસીઓની જમીન પડાવી લેવાનો મનસુબો ધરાવતા અને ખેડૂતોને ધમકાવી જમીન પડાવી લેવા માંગતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરનારા અધિકારીઓ ચેતી જજો, હું તમામને ઉઘાડા પાડીશ.
આદિવાસીઓની જમીનો બારોબાર વેચી મારશો તો તમારી ખેર નથીઃ મનસુખ વસાવા
રાજપીપળાથી રામગઢ ગામને જોડતો પુલ બનવાની જાહેરાત બાદ કેટલાક બિલ્ડરો અને અધિકારીઓ આ પુલની આજુબાજુ ખેતી કરતા આદિવાસી ખેડૂતો પાસેથી જમીન પડાવી લેવાની ફરિયાદો સાંસદને મળતા આજે ખાતમૂર્હૂતનાં દિવસે જ ઝાટકી નાખ્યા હતા. સરકારી જમીનો રાખી લેવાની કેટલાક બિલ્ડરોની માનસિકતા છે, પરંતુ અહીં કોઇએ ધંધો નથી કરવાનો આપણે સેવા કરવાની છે. પુલની આજુબાજુનાં ખેડૂતોની જમીન ન છીનવાય નહીતર મારે ન કહેવાનું કહેવાઇ જશે. તો ગેરહાજર રહેલા ક્લેકટર કચેરી, પ્રાંતઅધિકારી અને મામલતદારની પણ આકરી ટીકા કરી છે, વાસ્તવમાં મનસુખભાઇએ બિલ્ડર લોબી સાથે સાંઠ-ગાંઠ રાખનાર નેતાઓ અને અધિકારીઓને સુધરી જવા નિર્દેશ આપ્યો છે. આમ પોતાની સરકારમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પાડી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ આદિવાસી જિલ્લો છે અને આદિવાસીઓના હિત માટે હંમેશા લડતો આવ્યો છું, આ માર્ગમાં આવતા આદિવાસીઓની જમીન માટે કોઈ અધિકારી પ્રેસર નહીં કરે અને તેમને અન્યાય થાય એવું કરશે તો ખેર નથી. કહી આધિકારીઓ સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારતા અધિકારીઓમાં ફફલાટ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના નેતાઓ અધિકારીઓ સાથે પાર્ટનરશિપમાં ધંધો કરે છે અને જેવી ફરિયાદો ઉઠી છે અને સાંસદ પાસે પણ ફરિયાદો આવે છે, ત્યારે જાહેરમાં ભરૂચ સાંસદનો આવો આક્ષેપ ભાજપના નેતાઓ અને અધિકારીઓની ઉંઘ ઉડાવી દીધી છે.