
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુરુવારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધ ‘સબસ્ટેન્ટિવ મોશન’ (Substantive Motion) માટે નોટિસ આપી છે. દુબેએ આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમના સંબંધો ભારત વિરોધી શક્તિઓ સાથે છે.ઝારખંડના ગોડ્ડાથી સાંસદ નિશિકાંત દુબેએ નોટિસ આપ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત વિરોધી સંગઠનો સાથે સાંઠગાંઠ છે. દુબેનો દાવો છે કે, રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન, ફોર્ડ ફાઉન્ડેશન અને USAID જેવી સંસ્થાઓ સાથે મળીને ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે. દુબેએ ગાંધીના વિદેશ પ્રવાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી થાઇલૅન્ડ, કંબોડિયા, વિયેતનામ અને અમેરિકા જઈને ભારત વિરોધી શક્તિઓ સાથે મુલાકાત કરે છે.દુબેએ ગાંધી પર આજીવન પ્રતિબંધની માગ કરી હતી. નિશિકાંત દુબેએ માગ કરી છે કે, રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવે અને તેમના પર ચૂંટણી લડવા માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. રાહુલ ગાંધી હાલમાં બજેટ સત્ર દરમિયાન મોદી સરકાર પર સતત આક્રમક પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે સરકાર પર ‘દેશ વેચી દેવાનો’ ગંભીર આરોપ લગાવ્યો હતો. જે બાદ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.


