નવી દિલ્હી: પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડનારા તત્કાલિન વિંગ કમાન્ડર (હાલ ગ્રુપ કેપ્ટન) અભિનંદન વર્ધમાનને આજે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં અનેક સૈનિકોને આજે સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
અભિનંદને તોડ્યું હતું પાકિસ્તાનનું વિમાન
14 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે પુલવામામાં CRPF ના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. ભારતના આ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300થી વધુ આતંકીઓનો ખુડદો બોલાયો હતો.એરસ્ટ્રાઈકના બીજા દિવસે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ખદેડી મૂક્યા. તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તે સમયે Mig 21 ઉડાવી રહ્યા હતા. તેમણે તે વિમાનથી પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. બાદમાં અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થયું હતું. પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવ્યા હતા. પરંતુ ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને લગભગ 60 કલાકમાં જ અભિનંદનને છોડી મૂક્યા હતા. અભિનંદને Mig 21 થી F-16 વિમાન તોડી પાડ્યું હતું. જેના દુનિયાભરમાં ખુબ વખાણ થયા હતા. કારણ કે F-16 ખુબ જ આધુનિક ફાઈટર વિમાન હતું. જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે Mig-21 વિમાન રશિયાએ બનાવેલું હતું અને 60 વર્ષ જૂનું વિમાન હતું. ભારતે 1970ના દાયકામાં રશિયા પાસેથી Mig-21 ખરીદ્યા હતા.
આ જાંબાઝોને પણ કરાયા સન્માનિત
– આતંકીઓ વિરુદ્ધ અભિયાનમાં શહીદ થયેલા આર્મીના સૈપર પ્રકાશ જાધવને મરણોપરાંત કિર્તી ચક્રથી સન્માનિત કરાયા. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હાથે સન્માન ગ્રહણ કર્યું.
– આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંઢિયાલને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા. આ ઓપરેશનમાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. શહીદ મેજર વિભૂતિના પત્ની અને માતાએ આ સન્માન લીધું.
– શહીદ નાયાબ સૂબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશનમાં A++ કેટેગરીના આતંકીને ઠાર કર્યો હતો. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન ગ્રહણ કર્યું.