ભાગેડુ લિકર વેપારી વિજય માલ્યાના દેશ છોડવા વિશે સીબીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે, લુકઆઉટ સર્ક્યુલરમાં ફેરફાર કરવા એક મોટી ભૂલ હતી. ત્યારે નોટિસમાં માલ્યાની અટકાયતના બદલામાં ચેતવણી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેથી માલ્યા દેશ છોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. લુકઆઉટ નોટિસમાં ફેરફાર કરવાનું કારણ એ હતું કે, તે સમયે માલ્યા તપાસમાં સહકાર આપતો હતો અને તેના વિરુદ્ધ કોઈ વોરંટ નહતું.
ત્રણ વર્ષ પછી આ વિવાદ ફરી સામે આવતા સીબીઆઈ સૂત્રોએ કહ્યું છે કે, પહેલી લુકઆઉટ નોટીસ 12 ઓક્ટોબર 2015માં જાહેર કરવામાં આવી હતી અને ત્યારે માલ્યા વિદેશમાં હતો.
સીબીઆઈએ કહ્યું હતું-અટકાયત ન કરો
ન્યૂઝ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, માલ્યાના પરત આવવાથી બ્યૂરો ઓફ ઈમીગ્રેશને સીબીઆઈને પૂછ્યું હતું કે, શું માલ્યાની અટકાયત કરવી જોઈએ? જેવું કે એલઓસીમાં કહેવામાં આવ્યું છે. ત્યારે સીબીઆઈએ કહ્યું હતું કે, માલ્યાની ધરપકડ કે અટકાયત કરવાની કોઈ જરૂર નથી. કારણ કે તે એક સાંસદ છે. તેના વિરુદ્ધ વોરંટ પણ નથી. એજન્સી માત્ર માલ્યાના સ્થળાંતર વિશેની માહિતી મેળવવા ઈચ્છે છે.
નવેમ્બર 2015માં લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તે સમયે તપાસ શરૂ થઈ હતી. સીબીઆઈ 900 કરોડ રૂપિયાની લોન મામલે આઈડીબીઆઈના દસ્તાવેજ એકત્ર કરી રહી હતી. સીબીઆઈએ નવેમ્બર 2015ના અંતિમ સપ્તાહમાં માલ્યા વિરુદ્ધ વધુ એક એલઓસી જાહેર કરી હતી. જેમાં દેશભરના એરપોર્ટ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ માલ્યાના આવવા-જવા વિશે માહિતી આપે. ત્યારે આ નવા સર્ક્યુલરના સ્થાને પહેલાના સર્ક્યુલરનું સ્થાન લઈ લીધું, જેમાં કહેવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડીને જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરી લેવામાં આવે.
માલ્યા ત્રણ વાર પૂછપરછ માટે રજૂ થયો
સૂત્રોએ જણાવ્યું કે માલ્યાએ ઓક્ટોબરમાં વિદેશની યાત્રા કરી. ત્યારબાદ નવેમ્બરમાં પરત આવ્યો. પછી ડિસેમ્બરના પહેલા અને અંતિમ સપ્તાહમાં બે યાત્રાઓ કરી અને ત્યારબાદ જાન્યુઆરી 2016માં પણ એક યાત્રા કરી. આ દરમિયાન તે ત્રણ વાર પૂછપરછ માટે રજૂ થયો, કારણ કે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. તે એકવાર નવી દિલ્હીમાં અને બે વાર મુંબઈમાં હાજર થયો. એવામાં સીબીઆઈને એવો અંદેશો નહોતો કે માલ્યા દેશ છોડીને ચાલ્યો જશે.
2016થી માલ્યા લંડનમાં
માલ્યા માર્ચ 2016થી લંડનમાં છે. બેંકોના 9000 કરોડ રૂપિયાનો દેવાદાર માલ્યાની વિરુદ્ધ ભાગેડી આર્થિક અપરાધી કાયદા હેઠળ મામલો ચાલી રહ્યો છે. ઈડી નવા કાયદા હેઠળ માલ્યાને ભાગેડુ જાહેર કરી અને 12,500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા માંગે છે.