નવી દિલ્હી: દેશની ટોચની કૉર્પોરેટ બૅન્કોમાંથી એક આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરે ગઈ કાલે સ્પેશ્યલ (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ) કોર્ટમાં હાજર થઈને જામીન માટે અરજી કરી હતી. ચંદા કોચરે તેમના વકીલ વિજય અગ્રવાલ દ્વારા કરેલી જામીનઅરજી બાબતે સ્પેશ્યલ કોર્ટના જજ એ. એ. નાંદગાવકરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો જવાબ માગ્યો હતો.આઇસીઆઇસીઆઇ બૅન્ક-વિડિયોકૉન મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટના આધારે સ્પેશ્યલ કોર્ટે ૩૦ જાન્યુઆરીએ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, વિડિયોકૉન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂત તથા અન્ય આરોપીને સમન્સ મોકલ્યા હતા. સીબીઆઇએ ચંદા અને દીપક કોચર, વેણુગોપાલ ધૂત તથા અન્યો સામે મની લૉન્ડરિંગના આરોપસર એફઆઇઆર નોંધ્યા પછી ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ક્રિમિનલ કેસ ફાઇલ કરીને દીપક કોચરની ધરપકડ કરી હતી.મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો આરોપ મૂક્યો હતો કે ‘૨૦૦૯માં આઇસીઆઇસીઆઇ બૅન્કનાં સીઈઓ ચંદા કોચરની અધ્યક્ષતા હેઠળની કમિટીએ વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સની ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કર્યા પછી એ લોનની રકમ સપ્ટેમ્બર મહિનાની ૭ તારીખે કંપનીને આપવામાં આવી હતી.