
ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્ત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.ગુજરાતમાં સરકારે રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાગીને પ્રેમ લગ્ન વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજની સંસ્થાઓ નિયમો કડક કરવા માંગ કરી રહી હતી. એવામાં હવે જો તમે લગ્નની નોંધણી કરાવવા જશો તો માતા-પિતાને 10 દિવસમાં તેની જાણ કરાશે. લગ્નની નોંધણી સમયે વર-વધુએ માતા-પિતાને જાણ કરી છે કે નહીં તેનું ડિક્લેરેશન આપવાનું રહેશે. માતા-પિતાના આધાર કાર્ડ, સરનામું અને મોબાઈલ નંબર પણ આપવા પડશે. જે બાદ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા 10 દિવસમાં માતા-પિતાને જાણ કરાશે. લગ્ન નોંધણીની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં મૂકાશે જેમાં સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ નંબરની વિગતો મૂકવામાં આવશે. સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.


