અમદાવાદ: આઇટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યૂથ કોંગ્રેસનાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. એને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.આઇટી વિભાગે ફ્રીઝ કરેલાં એકાઉન્ટ બાબતે આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઈન્કમટેક્સબ્રિજ નીચે વિરોધ કરી રહ્યા હતા. હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઈન્કમટેક્સ ચાર રસ્તા પર બેસી વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. એમાં કેટલીક મહિલા કાર્યકરો પણ હતી. તમામની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.બ્રિજ નીચે વિરોધ કરી રહેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસે અટકાયત કરી ત્રણેય નેતાઓને ગાડીમાં બેસાડ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ પોલીસની ગાડી જ આગળ વધવા દીધી નહોતી. કાર્યકરો પોલીસને ગાડી પર ચડી ગયા હતા અને ગાડી પર હાથ મારી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કરી કાર્યકરોને ગાડી પાસેથી હટાવ્યા હતા. કાર્યકરોએ રોષને કારણે ફરીથી રોડ-રસ્તા બંધ કરતાં પોલીસે ફરીથી તેમની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી વિરોધપક્ષની ભૂમિકા ભજવી રહી છે. આ ભૂમિકા પણ ના ભજવે એ માટે કોંગ્રેસપક્ષનાં એકાઉન્ટ પર તાળાબંધી કરવામાં આવી છે. આ તાળાબંધી લોકશાહી માટેની છે. જનતા જુએ છે, અમે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે જ આજે વિરોધ કરી રહ્યા છીએ. જનતા આજે આ જાણે અને જનતાની અદાલતમાં નિર્ણય કરે. બેરોજગારી, મોંઘવારીથી લોકો અને ખેડૂતો દુઃખી છે, નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે. અમે વિરોધપક્ષ તરીકેની ભૂમિકા ના ભજવીએ એ માટે તાળાબંધી કરવામાં આવી છે.
અમદાવાદમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે કોંગ્રેસ રસ્તા પર બેસી, શક્તિસિંહની અટકાયત થતાં જ કાર્યકરોએ પોલીસની ગાડીને ઘેરી લીધી
Date: