દેશભરમાં એક જ ભાવની તૈયારી; 17 સપ્ટેમ્બરે લખનઉમાં બેઠક
પેટ્રોલ-ડીઝલ મોંઘાદાટ થઈ ગયાં છે ત્યારે એક રાહતના સમાચાર મળ્યા છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેવાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવાય એવી સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળ જીએસટી મંત્રીઓનો સમૂહ આ અઠવાડિયે એટલે કે 17 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ પદાર્થોના એક દેશ, એક ભાવના પ્રસ્તાવ પર વિચારણા કરશે.એ જ દિવસે જીએસટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાશે. કોરોના મહામારી બાદ કાઉન્સિલ પહેલીવાર રૂબરૂ મળશે. કેરળ હાઇકોર્ટના આગ્રહ બાદ મંત્રીઓના સમૂહે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો મંત્રીઓના સમૂહમાં આ મુદ્દે સહમતી થશે તો આ પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલને સોંપવામાં આવશે. એ પછી કાઉન્સિલ આ પ્રસ્તાવ પર વિચારણા કરશે.જીએસટીમાં મહત્તમ સ્લેબ રેટ 28 ટકા છે. જોકે એના પર સેસ (તમાકુ ઉત્પાદનો પર 21 ટકાથી 160% છે) લાગુ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવશે તો તેના પર સેસ લાગુ થશે એ નક્કી છે, તેમ છતાં પણ વર્તમાન વેરાઓ કરતાં દર ઓછો જ રહેશે.