નવી દીલ્હી : મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીમાં રાજકીય ખેંચતાણ બાદ હવે બેંગલુરુમાં 13-14 જુલાઈના રોજ યોજાનારી વિપક્ષીની મહાબેઠક પણ સ્થગિત કરવામાં આવી છે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ બેઠક યોજાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બેઠક મુલતવી રાખવા પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, બિહાર વિધાનસભા અને કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રની બેઠકને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. બિહાર વિધાનસભાનું ચોમાસું સત્ર 10 થી 24 જુલાઈ સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને બેઠક સ્થગિત કરવા વિનંતી કરી હતી, કારણ કે નીતિશ અને તેજસ્વી વિધાનસભા સત્રમાં વ્યસ્ત રહેશે.23 જૂને પટનામાં 15 વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠક યોજાઈ હતી. જેમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમકે સ્ટાલિન સહિત છ રાજ્યોના સીએમ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી સહિત 5 રાજ્યોના પૂર્વ સીએમ સામેલ હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.