મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ક્રુઝમાં સવાર 2,000 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બરો નો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે . જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ મેમ્બરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
PPE કિટથી સજ્જ મેડિકલ ટીમ 2000 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના RT-PCR ટેસ્ટ કરવા માટે પહોંચી હતી. તેમના ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી કોઈને જહાજમાંથી ન ઉતરવા માટે કહ્યું છે. ક્રુઝ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે સ્થિત છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રુઝને ગોવામાં પાર્ક કરવાની મંજૂરી આપી ન હતી. એન્ટિજેન ટેસ્ટમાં ક્રૂ મેમ્બર પોઝિટિવ આવ્યો છે.
રવિવારે મુંબઈમાં 8,063 કોરોના કેસ નોંધાયા છે. શનિવારે 6,347 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. બીજી તરફ કોરોનાનો નવો વેરીઅન્ટ એટલે કે ઓમિક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકડાઉનની ભીતી છે.મુંબઈ મહાનગરપાલિકા વતી 15થી 18 વર્ષના યુવાનો માટે 9 રસીકરણ કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે. રસીકરણ કેન્દ્રો પર ભીડ ન વધે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. રસીનો ડોઝ આપ્યા બાદ સંબંધિત વિદ્યાર્થીઓને અડધો કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો વિદ્યાર્થીઓમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળે તો તેની સારવાર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.