
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદીના પ્રવાસ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સોમનાથ પહોંચ્યા હતા અને તેમના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 જાન્યુઆરીએ સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરવાની સાથે જ બિલ્વપત્રો-પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતાં ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો. દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીએ આગામી 10 અને 11 તારીખના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ સોમનાથમાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમાથી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમીક્ષા કરી હતી.નાયબ મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસ ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી બે દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.


