શુદ્ધ ઘીમાંથી મંદિરમાં દિવડાઓ પ્રગટાવાતા અલભ્ય નજારો સર્જાયો
દેવ ઊઠી એકાદશીની સાથે જ તુલસીવિવાહ થતાં લગ્નસરાની સિઝન શરૂ થઈ છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અતિપ્રાચિન કંતારેશ્વર મંદિરમાં દેવઊઠી એકાદશીએ રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. રવિવારે કંતારેશ્વર મંદિરમાં ઘીના દીવાઓથી રોશની કરવામાં આવી હતી. મંદિરના અવિનાશ મહારાજે જણાવ્યું કે, આ માટે 45 કિલો ઘીમાંથી 4,500 દીવા બનાવાયા હતા, જેમાં 50 ભક્તોને 4 કલાક લાગ્યા હતા.આ સાથે સગરામપુરાના રામજી મંદિરમાં પણ એકાદશી-તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શેરીઓમાં તુલસીમાતાની શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ શહેરના સ્વામીનારાયણ મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો તેમજ મોટા ભાગના રામ મંદિરોમાં સોમવારે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહ કાર્યક્રમ યોજાશે.કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે. તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલમુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરેલા. સૂર્યદેવે કપિલમુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરુપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું.પ્રાચીન સમયમાં કપિલમુનિએ ભાદરવા વદ-૬ના દિવસે અહીં તેજોમય શિવલિંગની સ્થાપના કરી હતી.કંતારેશ્વર મહાદેવ મંદિરમાં એક વિશાળ કુંડ આવેલો છે. તેમાં ઊતરવાં માટે પગથિયાં બનાવવામાં આવેલાં છે. કુંડના દર્શનથી લાખો લોકો પાવન થાય છે. કુંડની આજુબાજુમાં અનેક નાની મોટી ભગવાનની દેરીઓ આવેલી છે. ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે, કુંડના ફરતે ચારે બાજુ સંતો ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાઓ આવેલી છે.