નવી દિલ્હી : આમ તો ચોમાસાએ આખા ઉત્તર ભારત પર જાણે કબજો જમાવી લીધો છે. જોકે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તો વરસાદ કેર બનીને વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 80થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ લોકોના મૃત્યુ વરસાદ, પૂર, ભૂસ્ખલન જેવી ઘટનાઓની લપેટમાં આવવાને કારણે થયા છે. તેમાં માર્ગ અકસ્માતને કારણે થયા મૃત્યુ પણ સામેલ છે. માહિતી અનુસાર 470 જેટલાં પાલતું પશુઓ મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 100થી વધુ મકાનોના નામો નિશાન પણ મળી રહ્યા નથી. 350 જેટલાં મકાનોને નુકસાન થયું છે. જોકે 10 લોકોનો કોઈ અતોપતો નથી. 900 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે જેમને બચાવવા માટે અભિયાન હાથ ધરાયું છે. ચંદ્રતાલથી સૈન્યના હેલિકોપ્ટરથી બીમાર અને વૃદ્ધ લોકોને સુરક્ષિત બચાવાયા હતા. ચંદ્રતાલમાં 350 જેટલાં લોકો હજુ ફસાયેલા છે. અત્યાર સુધી 1050 કરોડ રૂપિયાના નુકસાનનું આકલન કરી લેવાયું છે. જોકે નુકસાન ચાર હજાર કરોડથી વધારે થયું હોવાનું મનાય છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના પૂર્વાનુમાન અનુસાર આગામી ત્રણ દિવસ એટલે કે શુક્રવાર સુધી હવામાન સ્વચ્છ રહેવાનું અનુમાન છે. શનિવારે 15 જુલાઈથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું અનુમાન છે. તેનાથી વરસાદ થવાની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1299 રોડ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.
હિમાચલમાં ‘આફત’! 1050 કરોડનું નુકસાન, 1300 રોડ બંધ, 100 મકાન થયા જમીનદોસ્ત અને 80ના મોત
Date: