યુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો દાઝ્યાં

0
12
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે
ઉત્તર પ્રદેશમાં 34 લોકોના મોત

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ચાલુ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વીજળી પડવાના કારણે ઘણાં લોકોના મોત થયા છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પાણીમાં ડૂબી જવાથી લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓમાં કુલ 34 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 17, પાણીમાં ડૂબી જવાથી 12 અને ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. તેમાંથી બાગપત, ઇટાવા, ઉન્નાવ, આગ્રા અને બલિયામાં વીજળી પડવાથી 1-1, જાલૌન, કાનપુર દેહાત, કન્નૌજ અને ગાઝીપુરમાં 2-2 અને મૈનપુરીમાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય સંત કબીર નગરમાં 1, બદાયુમાં 2, બરેલીમાં 4 અને રાયબરેલીમાં 5 વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. ભારે વરસાદને કારણે એટા, કન્નૌજ અને કૌશામ્બીમાં 1-1 અને મુઝફ્ફરનગરમાં 2 વ્યક્તિનું મોત થયું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં વીજળી પડવા, પાણીમાં ડૂબવા અને ભારે વરસાદને કારણે થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દરેક મૃતકના આશ્રિતોને 4 લાખ રૂપિયાની સહાયનું તાત્કાલિક વિતરણ કરવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે વિવિધ કુદરતી આફતોમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. રાયબરેલીમાં 8 બાળકો વીજળીની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. આ 8 બાળકો રાયબરેલીના એક જ ગામના છે. જેમાંથી 3 બાળકો ઢોર ચરાવવા ગયા હતા, જયારે 5 બાળકો વરસાદ વચ્ચે ખેતરમાં ડાંગર રોપી રહ્યા હતા. માહિતી મળતાં જ પરિવારજનોએ તમામ બાળકોને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં બાળકોની હાલત નાજુક હોવાથી ડોકટરોએ પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકાની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને વરસાદ દરમિયાન ખુલ્લામાં ન રહેવા અપીલ કરવામાં આવી છે.