
‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યાએ આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના પરિણામે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.