હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું ગુરુવારે 87 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે સવારે 3:40 કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહીં તેઓ લગભગ બે મહિનાથી દાખલ હતા. સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યાર બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા. વીરભદ્ર સિંહને બેવાર કોરોના થયો હતો. તેમનો રિપોર્ટ પ્રથમ વખત 12 એપ્રિલે અને બીજી વખત 11 જૂને પોઝિટિવ આવ્યો હતો. બુધવારે એક દિવસ અગાઉ IGMCના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જનક રાજે કહ્યું કે વીરભદ્ર સિંહની હાલત નાજુક છે, પરંતુ સ્થિર છે. વીરભદ્ર સિંહનો જન્મ 23 જૂન 1934માં થયો હતો. તેમના પિતા પદમ સિંહ બુશહર રજવાડાના રાજા હતા. મહાસૂ બેઠક પરથી 1962માં પ્રથમ વખત વીરભદ્ર સિંહે લોકસભાની ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ 1967, 1971, 1980 અને 2009માં લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા. રોહડૂ બેઠક પરથી પ્રથમ વીરભદ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી લડયા હતા. બાદમાં જ્યારે રોહડૂ બેઠક અનામત રાખવામાં આવી ત્યારે તેમણે 2012માં શિમલા રૂરલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. 2017માં તેમણે આ બેઠક પુત્ર વિક્રમાદિત્ય સિંહ માટે છોડી દીધી હતી અને પોતે અરકીથી જ ચૂંટણી લડ્યા હતા. હાલમાં તેઓ અરકી બેઠક પરથી ધારાસભ્ય હતા. વીરભદ્ર સિંહને પ્રથમ વખત 1983થી 1985 દરમિયાન, 1985થી 1990 દરમિયાન બીજીવાર, 1993થી 1998 સુધીમાં ત્રીજી વખત, 1998માં કેટલાક દિવસો માટે ચોથીવાર, 2003થી 2007 સુધી પાંચમી વખત અને 2012થી 2017 દરમિયાન છઠ્ઠી વાર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. UPA સરકારમાં તેઓ કેન્દ્રીય ઇસ્પાતમંત્રી પણ હતા. તેમણે માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળ્યું હતું. આ પહેલાં તેમણે ડિસેમ્બર 1976થી 1977 દરમિયાન ઈન્દિરા ગાંધી સરકારમાં કેન્દ્રીય પર્યટનમંત્રી તરીકે સેવા આપી હતી અને ઉડ્ડયન રાજ્યમંત્રી પણ રહ્યા હતા. તેઓ 1982થી 1983 સુધી કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી હતા.
પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન:હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે નિધન
Date: