ફ્રાન્સ: એન્ટીટ્રસ્ટ વોચડોગે ગૂગલને રૂ.૪,૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો

0
7
ગૂગલ પર કોપીરાઈટ કાયદાના ભંગનો આરોપ સ્થાનિક ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિશર્સના કન્ટેન્ટના ઉપયોગ બદલ વળતર ચૂકવવું પડશે, ગૂગલને બે મહિનાનો સમય અપાયો
ગૂગલ પર કોપીરાઈટ કાયદાના ભંગનો આરોપ સ્થાનિક ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિશર્સના કન્ટેન્ટના ઉપયોગ બદલ વળતર ચૂકવવું પડશે, ગૂગલને બે મહિનાનો સમય અપાયો

પેરિસ : દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલ પર ફ્રાન્સે ૫૦૦ મિલિયન યૂરો (અંદાજે રૂ. ૪,૪૦૦ કરોડ અથવા ૫૯૩ ડોલર)નો દંડ ફટકાર્યો છે. ગૂગલને તેના પ્લેટફોર્મ પર સ્થાનીક ન્યૂઝ એજન્સીઓના આર્ટિકલ દર્શાવવા માટે વળતર ચૂકવવા વાટાઘાટો કરવામાં નિષ્ફળ ગયા પછી આ દંડ કરાયો છે. કંપનીને કોપીરાઈટ કાયદાના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવી છે, જેના પગલે કંપની પર ૫૦૦ મિલિયન યૂરો કરાયો છે, જે ગૂગલને અત્યાર સુધીમાં થયેલો સૌથી મોટો દંડ છે. ફ્રાન્સની એન્ટીટ્રસ્ટ વોચડોગે આલ્ફાબેટ એન્ડ કંપની પર ગૂગલને અસ્થાયી રીતે આદેશો ના માનવા માટે દોષિત ઠેરવી છે.ફ્રાન્સની ઓથોરિટીએ મંગળવારે જણાવ્યું હતું કે, આલ્ફાબેટ ઈન્કે. તેની ગૂગલ ન્યૂઝ સર્વિસ પર સ્થાનિક ન્યૂઝ એજન્સીઓના આર્ટિકલ દર્શાવવા માટે વળતર ચૂકવવાના વર્ષ ૨૦૨૦ના આદેશોની અવગણના કરી હતી. એક જ કંપનીને ફ્રાન્સમાં એન્ટીટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો આ બીજો સૌથી મોટો દંડ છે. ફ્રાન્સની એન્ટી ટ્રસ્ટ વોચડોગે ગૂગલને દંડની રકમ ચૂકવવા બે મહિનાનો સમય આપ્યો છે. કંપનીએ બે મહિના દરમિયાન એક દરખાસ્ત રજૂ કરીને જણાવવું પડશે કે તે ન્યૂઝ એજન્સીઓ અને અન્ય પબ્લિશર્સને તેમના ન્યૂઝ કન્ટેન્ટના ઉપયોગ માટે કેવી રીતે વળતર ચૂકવશે. ગૂગલ આવી કોઈ દરખાસ્ત રજૂ નહીં કરે તો તેણે દૈનિક ધોરણે ૯,૦૦,૦૦૦ યૂરોનો વધારાનો દંડ ચૂકવવો પડશે.એક અહેવાલ મુજબ ગૂગલને કોઈ કોમ્પિટિશન ઓથોરિટી તરફથી આ સૌથી મોટો દંડ કરવામાં આવ્યો છે. ગૂગલના પ્રવક્તાએ આ ચૂકાદાને ઘણો જ દુઃખદ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અમે સાચા ઈરાદાથી કામ કર્યું છે અને અમે વાટાઘાટો કરી રહ્યા હતા. એવામાં દંડ કરવો યોગ્ય નથી. બીજીબાજુ ફ્રાન્સના મોટા ન્યૂઝ પબ્લિશર્સ એપીઆઈજી, એસઈપીએમ અને એએફપીએ ગૂગલ પર વાટાઘાટો મારફત ઉકેલ નહીં લાવી શકવાનો આરોપ મૂક્યો છે. આ અંગે ન્યૂઝ પબ્લિશર્સે ગૂગલની ટીકા પણ કરી છે. ગૂગલે તાજેતરના સમયમાં અનેક દેશોમાં કોર્ટ કેસોનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ન્યૂઝ એજન્સીઓ અને પબ્લિશર્સના કન્ટેન્ટના ઉપયોગ બદલ વળતર ચૂકવવાની માગણી માત્ર એકલા ફ્રાન્સે જ નથી કરી. અગાઉ આ વર્ષના પ્રારંભમાં ઓસ્ટ્રેલિયાએ પર ફેસબૂક અને ગૂગલ જેવી ડિજિટલ કંપનીઓને સ્થાનિક ન્યૂઝ એજન્સીઓના સમાચારો દર્શાવવા બદલ વળતર ચૂકવવા જણાવ્યું હતું. વિશ્વની સૌથી મોટી ટેક કંપની તેની જાહેરાત, એપ્સ અને સર્ચના બિઝનેસના પગલે વિશ્વભરમાં નિયમનકારોનું નિશાન બની રહી છે. રશિયામાં ગૂગલે એક કેસમાં કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનનું પીઠબળ ધરાવતી એક ટીવી ચેનલનું યુ-ટયુબ એકાઉન્ટ અનબ્લોક કરવા કોર્ટે ગૂગલને આદેશ આપ્યો હતો. ગૂગલ અને અખબારોના માલિકો તથા વાયર સર્વિસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે.યુરોપીયન પબ્લિશર્સે દાયકાઓથી ગૂગલની સત્તાઓ પર કાપ મૂકવા નિયમનકારો પર દબાણ કર્યું છે. સ્થાનિક પબ્લિશર્સનો દાવો છે કે તેમના કન્ટેન્ટના ઉપયોગની મદદથી ગૂગલ જાહેરાતના અબજો રૂપિયા ખેંચી જાય છે. સર્ચ એન્જિન કંપની ગયા મહિને ઓનલાઈન જાહેરાતના તેના પાવર અંગેની તપાસની પતાવટ માટે ૨૨૦ મિલિયન યુરોનો દંડ ચૂકવવા સંમત થઈ હતી અને કંપનીને તેના ગૂગલ એડ પ્લેટફોર્મ પર કેસ ફોકસિંગમાં ૨૦૧૯માં ૧૫૦ મિલિયન યૂરોનો દંડ થયો હતો.