ગાંધીનગર : બંગાળમાં ભાજપની હારને લઇને હવે ગુજરાત ભાજપની છાવણીમાં પણ ચિંતાનો માહોલ છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપને જીત મેળવવાની પૂરી આશા હતી, પણ હાલ ગાંધીનગરમાં કોરોનાના વધતાં દર્દીઓ, ખૂટી પડેલી હોસ્પિટલોની પથારીઓ અને ઓક્સિજનને કારણે મતદાતાઓમાં શાસક પક્ષ પ્રત્યેનો રોષ છે. આ તમામ બાબતોને ચકાસી ભાજપ હાલ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ઓછામાં ઓછાં ત્રણથી ચાર મહીનાની અંદર યોજવાના મૂડમાં નથી. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગે સોમવારે મ્યુનિસિપલ કમિશ્નર રતનકવર ગઢવીચારણને પાલિકાના કેર ટેકર તરીકે નિયુક્ત કર્યાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સામાન્ય વહિવટ વિભાગે અનુપમ આનંદની નિયુક્તિ કરી છે કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્ણન સેવા નિવૃત્ત થતાં હવે તેમના સ્થાને ટ્રાઈબલ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ટ્રાઈબલ વિભાગમાં સચિવ તરીકેનો વધારાનો પદભાર હવે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ સુત્રોએ એવું પણ જણાવ્યું છે કે મુરલી ક્રિષ્ણન રાજ્ય સરકારની સેવામાં પરત આવી શકે છેરાજ્યના નવા ચૂંટણી અધિકારી અનુપમ આનંદ મુળ બિહારના પટણાના વતની છે. તેઓ 2000ની બેચના IAS કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તેઓ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગર મ્યુનિસિપલ કમિશ્નર અને ડાંગમાં જિલ્લા કલેક્ટર વગેરે પદ પર રહી ચૂક્યા છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી હવે અનુપમ આનંદના કાર્યકાળમાં થશે.