
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી સોમવારે સવારે ૮૫૦ બસ ઓનરોડ મુકવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.પરંતુ આ પૈકી ૭૫૦ જેટલી બસ વડાપ્રધાનના જી.એમ.ડી.સી.ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવી હતી.માત્ર સો બસ લોકો માટે ફાળવાઈ હતી.ઈદના ઓઠા હેઠળ ડાયવર્ઝનના નામે તંત્રે બસ પરત ખેંચી લેતા લોકોને બસ મેળવવામાં હાલાકી પડતા શટલ રીક્ષા સહિતના અન્ય વિકલ્પ શોધવા મજબૂર બન્યા હતા.સોમવારે શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વધુ સંખ્યામાં લોકોની હાજરી જોવા મળે એ માટે ભાજપના કોર્પોરેટરોને તેમના વોર્ડ દીઠ એ.એમ.ટી.એસ.બસ ભરીને લોકોને જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા પક્ષ તરફથી સુચના આપવામાં આવી હતી.આ સુચનાને પગલે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની મોટાભાગની બસો સવારથી જ ઓનરોડ જોવા મળી નહતી.ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એલ.પાંડેના કહેવા મુજબ,સોમવારે સવારની શિફટમાં ૮૫૦ બસ ઓનરોડ મુકાઈ હતી. ઈદના પર્વને ધ્યાનમાં લઈ કેટલાક રુટો ઉપર દોડાવાતી બસોને ડાયવર્ટ કરાઈ હતી. વડાપ્રધાનના કાર્યક્રમ અંગે કેટલી બસો ફાળવાઈ હતી એ અંગે ટ્રાન્સપોર્ટ મેનેજરે કહેવાનું ટાળ્યુ હતુ.કમિટીના ચેરમેને પણ કાર્યક્રમમા છુ કહી જી.એમ.ડી.સી.કાર્યક્રમ અંગે ફાળવવામાં આવેલી બસોની સંખ્યા અંગે કોઈ ફોડ પાડયો નહતો.જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર છે એવુ બતાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓની સાથે મ્યુનિ.શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પણ કાર્યક્રમના સ્થળે હાજર રાખવામાં આવ્યા હતા.