વરસાદી સિસ્ટમ સક્રિય થતા આખા રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક વિસ્તારોમાં હજી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ વઘઈમાં ચાર કલાકમાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 193 તાલુકાઓમાં મેઘ મહેર થવા પામી છે. સૌથી વધુ વરસાદ ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, ખેરગામ, આહવા અને ઉમરપાડામાં નોંધાયો છે. તે ઉપરાંત જોઈએ તો સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારની વાત કરીએ તો 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વઘઈ, દેડિયાપાડા, આહવા, ડોલવણ, સાગબારા, વાંસદા અને મુંદ્રામાં દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.હવામાન ખાતની આગાહી પ્રમાણે, 10 જુલાઈએ નવસારી તથા વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 4થી 8 ઈંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4થી લઈ 8 ઈંચ વરસાદ વરસી શકે છે. 12 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 4થી લઈને 8 ઈંચ સુધી વરસાદની સંભાવના છે.રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ સાથે મોસમનો સરેરાશ 30.47 ટકા વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં કચ્છ મોખરે હોય છે. પરંતુ આ વખતે અત્યારસુધીની સ્થિતિ અલગ છે. કચ્છમાં મોસમનો સૌથી વધુ 56 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.કચ્છમાં 1992થી 2021ની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન 17.95 ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સરખામણીએ આ વર્ષે 10.23 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 37.62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 35.90 ટકા વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં 5.39 ઈંચ સાથે મોસમનો 19.06 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.82 ઈંચ સાથે મોસમનો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, વઘઈમાં ચાર કલાકમાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો
Date: