ગુજરાત યુનિવર્સિટીની અડોડાઈ, ગ્રાન્ટેડ કોલેજે એક NOC ન મળતા 11 વર્ષ સ્વખર્ચે સ્ટાફ રાખ્યો, હવે કાયમ માટે તાળું વાગી જશે

0
9
મહિને સ્ટાફ પાછળ 1.18 લાખનો ખર્ચ
કોલેજ પાસે હવે સ્વખર્ચે સ્ટાફ રાખવાના પૈસા ખૂટ્યા

અમદાવાદ : ગ્રાન્ટેડ સ્કૂલો જે રીતે ગ્રાન્ટેડ નીતિને કારણે બંધ થઈ રહી છે તેવી જ સ્થિતિ ગ્રાન્ટેડ કોલેજમાં જોવા મળી રહી છે. ગ્રાન્ટેડ કોલેજો પણ હવે સરકારની નીતિથી કંટાળીને બંધ કરવા અરજી કરી રહી છે. શહેરની એક કોલેજમાં છેલ્લા 11 વર્ષથી 10 જેટલા કર્મચારીની અછત છે જે ભરવા સરકાર કે યુનિવર્સિટી દ્વારા NOC આપવામાં આવતી નથી જેના કારણે સ્વખર્ચે કોલેજ ચલાવનાર ટ્રસ્ટે 11 વર્ષ ખેંચ્યા અને હજુ NOC ના મળતા કોલેજ બંધ કરવા નિર્ણય કર્યો છેસાબરમતીમાં આવેલ સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ 1968થી કાર્યરત છે. આ કોલેજમાં ગુજરાત હાઈકોર્ટમાંથી નિવૃત જજ રવિ ત્રિપાઠી સહિત અનેક મહાનુભવો ભણી ચુક્યા છે. આ કોલેજ 2005થી સાબરમતી એજ્યુકેશન ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. કોલેજમાં 2008-09થી કર્મચારીઓ નિવૃત થતા કે અન્ય કારણથી અછત થવા લાગી. 2011 સુધીમાં કોલેજના 10 માણસની અછત ઉભી થઇ હતી જેમાં 3 શૈક્ષણિક સ્ટાફ અને 7 વહીવટી સ્ટાફ હતા. સ્ટાફની અછત પુરી કરવા કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે NOC માંગી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ જ મળ્યો નહતો.કોલેજમાં વહીવટી એટલે કે બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા યુનિવર્સિટી પાસેથી NOC મેળવવી જરૂરી છે. NOC મળ્યા બાદ જ સ્ટાફની ભરતી કરવામાં આવે છે. ભરતી થયા બાદ તમામનો પગાર સરકારમાંથી થાય છે. આ NOC મેળવવા કોલેજ દ્વારા 2011માં પ્રથમ વખત જરૂરી સ્ટાફના હોદ્દા સાથે માંગણી કરવામાં આવી હતી. 15 દિવસ પહેલા જ કોલેજે ફરીથી ગુજરાત યુનિવર્સિટીને NOC મેળવવા રજુઆત કરી હતી. 2011 થી 2022 સુધી અનેક વખત NOC મેળવવા રજુઆત કરવામાં આવી છે પરંતું કોઈ જ જવાબ આપવામાં આવતો નથી.આ અંગે કોલેજના ટ્રસ્ટી અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘અમે અનેક રજુઆત કરી પરંતુ રજુઆત કોઈ ધ્યાન પર લેતું નથી અને હવે કોલેજ ચલાવવા આટલા ખર્ચ કરી શકાય તેમ નથી. અમે 11 વર્ષ સ્વખર્ચે કોલેજ ચલાવી પરંતુ સરકાર કે યુનિવર્સિટીમાંથી NOC ના મળતા આખરે અમારે કોલેજ બંધ કરવી પડી રહી છે. કોલેજ બંધ કરવા માટે NOC જ મુખ્ય કારણ છે. ટ્રસ્ટ પાસે હવે કોલેજ ચલાવી શકાય એટલા પૈસા પણ નથી.’ જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે એકેડેમિક કક્ષાએ કોલેજને જે જરૂરિયાત હતી તે પુરી પાડી છે. વહીવટી સ્ટાફની નિમણૂક સરકારમાંથી જ થઈ શકે છે.કુલ 10 વ્યક્તિઓની ઓછામાં ઓછી જરૂરિયાત છે. પરંતુ આ NOC ના મળતા આ ભરતી થઈ શકી નથી. જેથી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તથા કોલેજ સારી રીતે ચાલે તે માટે 2011થી સ્વખર્ચે 2 ચોકીદાર, 1 પટ્ટવાળો, 4 ઓફીસ સ્ટાફ, 1 સ્વીપરની ભરતી કરીને પગાર આપે છે. આ ઉપરાંત 3 અધ્યાપકો નથી તેની જગ્યાએ સ્વખર્ચે અઠવાડિયામાં 3 દિવસ વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવવામાં આવે છે. કોલેજને આ તમામ માટે મહિને 1,18,000 રૂપિયાઓ ખર્ચ ઉઠાવવો પડે છે.દર મહિને કોલેજે 1,18,000 નો ખર્ચ ઉઠાવવો પડે છે. કોલેજ માટે વર્ષ 2011થી ટ્રસ્ટ ખર્ચ ઉઠાવે છે. 11 વર્ષમાં કોલેજે NOC ના મળવાના કારણે સ્ટાફની ભરતી ના થતા પોતે 1.50 કરોડથી વધુનો ખર્ચ ઉઠાવ્યો છે જેના કારણે કોલેજના ટ્રસ્ટીને ખુબ જ બોજ પડ્યો છે. આ બોજ સહન કરી કરીને 11 વર્ષ સુધી કોલેજ ચલાવી પરંતુ આટલી રજૂઆત કરવા છતાં NOC ના મળતા કોલેજે બંધ કરવા અરજી આપી છે. અગાઉ કોલેજે 2019માં આ કારણથી જ બંધ કરવા અરજી આપી હતી પરંતુ અરજી નામંજૂર કરવાના આવી હતી, તે બાદ એપ્રિલ મહિનામાં ગુજરાત યુનિવર્સિટીમાં બીજી અરજી આપવામાં આવી છે પરંતુ આ અરજી યુનિવર્સિટીએ વિદ્યાર્થીના હિતમાં નામંજુર કરી છે.સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાબરમતી વિસ્તારમાં આવેલી છે. આ કોલેજ શરૂ થઈ ત્યારે આર્ટસમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હતા. શરૂઆતમાં કોલેજમાં 250 વિદ્યાર્થીઓ હતા અત્યારે કોલેજમાં આર્ટ્સ અને કોમર્સના ભેગા થઈને 1000-1200 જેટલા વિદ્યાર્થીઓ છે. કોલેજ ગ્રાન્ટેડ હોવાના કારણે અને ફી ઓછી હોવાને કારણે મોટા ભાગે મધ્યમ વર્ગ અને તેથી નીચેના વર્ગના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજ ચલાવનાર ટ્રસ્ટ હવે ભંડોળ પૂરું થતા ખર્ચ કરી શકે તેમ નથી માટે બંધ કરવા અરજી કરી છે. કોલેજ બંધ થાય તો સામાન્ય ફી માં અભ્યાસ કરી રહેલ અનેક બાળકોને નુકસાન થઈ શકે છે.