તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધા પછી ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ગુરુવારે કહ્યું હતું કે દુનિયાએ અફઘાનિસ્તાન પર વધારે પ્રેશર નાખવાની જગ્યાએ એનું સમર્થન કરવાની જરૂર છે. ચીનના વિદેશમંત્રી વાંગ યીએ બ્રિટિશ વિદેશ સચિવ ડોમિનિક રેબ સાથેની ફોન પરની વાતચીતમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનને દુનિયાનાં માર્ગદર્શન અને સમર્થનની જરૂર છે. અફઘાનિસ્તાન અત્યારે સત્તા હસ્તાંતરણના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, તેથી આ સમયે તેના પર વધારે પ્રેશર ના આપવું જોઈએ. જોકે ચીને એવું પણ કહ્યું હતું કે અમે તાલિબાન સત્તામાં આવી ગયા પછી તેનાં કાર્યોની નિષ્પક્ષ સમીક્ષા કરીશું.ચીનના વિદેશ મંત્રાલયે વાંગ તરફથી કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અસ્થિર અને અનિશ્ચિત છે. નોંધનીય છે કે તાલિબાનોએ રવિવારે કાબુલ પર કબજો કર્યા પછી અફઘાનિસ્તાનમાં 20 વર્ષ પછી તાલિબાનો સત્તા પરત આવ્યા છે. અમેરિકન સૈનિકો પરત ફરતાં જ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે. ચીનના વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે, આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાન પર વધારે પ્રેશર આપવાને બદલે સકારાત્મક દિશામાં પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું જોઈએ, જે સ્થિતિને સ્થિર કરવા માટે અનુકૂળ હોય.હાલના સમયમાં ચીને ઓફિશિયલી તાલિબાનને અફઘાનિસ્તાનની સરકાર તરીકે માન્યા આપી નથી, પરંતુ વાંગ ગયા મહિને જ તિયાનજિનમાં તાલિબાનના રાજકીય મુદ્દે પ્રમુખ મુલ્લા બરાદરના મહેમાન બન્યા હતા અને કહ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાનની શાંતિ અને પુનર્નિર્માણ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવી આશા છે.રાબ સાથેની ફોન પરની વાતચીતમાં વાંગે એવું પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનનો ભૂ-રાજનૈતિક યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ ના કરવો જોઈએ. ચીને કહ્યું હતું કે તેમણે તાલિબાનો સાથે સંપર્ક અને સંચાર જાળવી રાખ્યો છે અને અફઘાનિસ્તાનમાં તેઓ સત્તા પર આવી જશે એ પછી તેમનાં કાર્યો વિશે નિષ્પક્ષ નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તાલિબાન વધારે સ્પષ્ટવાદી તથા વિવેકશીલ થઈ ગયા છે અને આશા છે કે તેઓ મહિલાઓને અધિકાર આપવા સહિતના તેમના વાયદા પૂરા કરશે.