નવી દિલ્હી : શુક્રવારે ભારતીય સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને ત્યાર બાદ શનિવારે ફરી એક વખત કિંમતોમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ શનિવારે (26 જૂનના રોજ) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતોમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો થયો છે. આ ભાવવધારા સાથે જ રાજધાનીમાં શનિવારે પેટ્રોલનો ભાવ 98.11 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે અને ડીઝલ પણ 88.65 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે. મુંબઈમાં 29 મેના રોજ પહેલી વખત પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ગઈ હતી અને શનિવારે પેટ્રોલ 104.22 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.16 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 99.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.22 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી મળી રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 97.99 રૂપિયા અને ડીઝલ 91.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 30 દિવસમાં 7.71 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલદેશના 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલે 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી લીધો છે. મેટ્રો શહેરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરૂમાં પહેલેથી જ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે અને હવે ચેન્નાઈ પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. પહેલી મેથી અત્યાર સુધીમાં ઓઈલની કિંમતોમાં 30 વખત વધારો થયો છે અને 26 વખત કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આ વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 7.71 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે. આ જ રીતે રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલની કિંમતોમાં 8.12 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે.