નવી દિલ્હી: અભિનેતા અને કોમેડિયન વીરદાસ પોતાની કોમેડી કરતા વધારે તો વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી તેણે ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે એક નિવેદન આપ્યું જેને લઈને વિવાદ થયો છે. વીર દાસ હાલ આ વિવાદિત નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તેના પર દેશનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો છે. ત્યારબાદ હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાના બચાવમાં સ્પષ્ટતા કરતી ટ્વીટ કરી છે. અત્રે જણાવવાનું કે વીર દાસ હાલ અમેરિકામાં છે. હાલમાં જ તેણે પોતાના યુટ્યૂબ ચેનલ પર આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ ટાઈટલવાળો એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો હાલમાં જ જ્હોન એફ કેનેડી સેન્ટર, વોશિંગ્ટન ડીસીમાં તેના એક લાઈવ પરફોર્મન્સનો ભાગ હતો. આ છ મિનિટના વીડિયોમાં વીર દાસે દેશના લોકોના બેવડા ચરિત્ર પર વાત કરી. જેમાં તેણે કોવિડ-19 મહામારી, દુષ્કર્મની ઘટનાઓ અને હાસ્ય કલાકારો વિરુદ્ધ કાર્યવાહીથી લઈને ખેડૂત પ્રદર્શન જેવા મુદ્દાઓને પોતાની કોમેડીનો હિસ્સો બનાવ્યા. પરંતુ આ વીડિયો સામે આવતા જ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. હવે સોશિયલ મીડિયા પર તે ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ટ્વિટર પર વીર દાસના આ વીડિયોના એક હિસ્સાને શેર કરીને લોકો તેને ખુબ ફટકાર લગાવી રહ્યા છે. આ વીડિયો ક્લિપમાં વીર દાસ એવું કહેતો સાંભળવામાં આવી રહ્યો છે કે ‘હું એક એવા ભારતથી આવું છું, જ્યાં દિવસમાં સ્ત્રીની પૂજા થાય છે અને રાતે તેની સાથે દુષ્કર્મ થાય છે. હું એવા ભારતથી આવું છું જ્યાં તમે AQ1 9000 છો પણ છતાં ધાબે સૂઈને રાતે તારા ગણીએ છીએ. હું એવા ભારતથી આવું છું જ્યાં આપણે વેજિટેરિયન હોવામાં ગર્વ મહેસૂસ કરીએ છીએ પરંતુ તે જ ખેડૂતોને કષ્ટ આપીએ છીએ.’