
ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરે (IN-SPACE) આજે દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન, AI ઈન્સપાયર્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન સ્પેસ સેક્ટર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે તેની ઈન્સપાયર્ડ પહેલ હેઠળની દરખાસ્તો માટે એક નવું આહવાહ્ન છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લક્ષિત નાણાકીય અને સંસ્થાકીય સહાય દ્વારા ભારતના ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત નવીનતાને વેગ આપવાનો છે. ઈન સ્પેસ સીડ ફંડ યોજના હેઠળ ગ્રાન્ટ ઇન એઇડ તરીકે આ ભંડોળની સહાય પૂરી પાડવામાં આવશે.
“બિયોન્ડ અર્થ: હાઉ AI ઇઝ પાવરિંગ ધ નેક્સ્ટ એરા ઓફ સ્પેસ એક્સપ્લોરેશન” શીર્ષક સાથેના સત્રને સંબોધન કરતા ઈન સ્પેસના પ્રમોશન ડિરેક્ટરેટના ડિરેક્ટર ડૉ. વિનોદ કુમારે આ જાહેરાત કરી હતી. ઈન સ્પેસ આ સત્ર માટે નોલેજ પાર્ટનર પણ હતું.
ડૉ. વિનોદે આ જાહેરાત અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અવકાશ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ બંને ઝડપથી વિકસતા ક્ષેત્રો છે, અને સ્વાયત્ત અને ઈન્ટેલિજન્ટ નિર્ણય ઘડતર દ્વારા જટિલ અને દૂરસ્થ પરિવેશમાં આપણે કેવી રીતે નવી તકોની શોધ અને કામગીરી કરીએ છીએ તેમાં પરિવર્તન લાવવાની મજબૂત સંભાવના આ બંને સેક્ટરના સમન્વયમાં રહેલી છે. અમે પસંદગીની સંસ્થાઓને પ્રપોઝલ ડેવલપમેન્ટ, સંસાધનો સુધીની પહોંચ, માર્ગદર્શન, કુશળતા અને સોલ્યુશનના નિર્માણમાં મદદરૂપ બનીશું. અમે એ જોવા માટે ઉત્સુક છીએ કે બિન-સરકારી સંસ્થાઓ લાંબા ગાળે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટેના ઉકેલોને વિકસાવવા માટે આ તકનો ઉપયોગ કેવી રીતે કરે છે.”
AI INSPIRED (ઇનોવેટિંગ સ્પેસ પર્ફોર્મન્સ વિથ ઇન્ટેલિજન્ટ રેઝિલિયન્ટ એન્જિન્સ ડેવલપમેન્ટ) ઓપોર્ચ્યુનિટીઝ ઇન સ્પેસ સેક્ટર પ્રોગ્રામ અવકાશ સંશોધન અને એપ્લિકેશન્સ સાથે AIના એકીકરણમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેના માટે કુલ રૂપિયા 6 કરોડ સુધીની ફાળવણી કરવામાં આવી છે અને દરેક પસંદ કરાયેલ ગ્રાન્ટ મેળવનારને મહત્તમ રૂપિયા 1 કરોડ આપવામાં આવશે. આ માટે અવકાશ ક્ષેત્રની પ્રવૃત્તિના મુખ્ય ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગુ કરવા માટે દરખાસ્તો મંગાવવામાં આવી છે, જેમાં ઈન્ટેલિજન્સ ઓનબોર્ડ અને ઈન ઓર્બિટ સિસ્ટમ્સ, પૃથ્વી આધારિત એપ્લિકેશન્સ માટે અવકાશમાંથી મેળવેલા ડેટાનો AI સક્ષમ ઉપયોગ અને અવકાશને લગતી કામગીરીમાં કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પહોંચમાં વધારો કરતા ટેકનોલોજી આધારિત અભિગમોનો સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ વ્યવહારુ અને ઉચ્ચ પ્રભાવ ધરાવતી નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે, જે AI ક્ષમતાઓને સ્પેસ ટેક્નોલોજી અને ડાઉનસ્ટ્રીમ ઉપયોગના કેસ સાથે જોડે છે.
અવકાશ ક્ષેત્રને લગતા નવીન AI આધારિત ઉકેલો પર કામ કરતા સ્પેસ સ્ટાર્ટ અપ્સ અને સૂક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગો તરફથી ત્રણ ટ્રેક માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં એજ ઇન્ટેલિજન્સ ઇન ઓર્બિટ, સ્પેસ ફોર અર્થ ઇન્ટેલિજન્સ અને સ્માર્ટ એક્સેસ ટુ સ્પેસનો સમાવેશ થાય છે. છ જેટલા ગ્રાન્ટ મેળવનારાની પસંદગી કરવામાં આવશે, જેમાંના દરેકને તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે રૂપિયા એક કરોડ સુધીની ગ્રાન્ટ ઇન એઇડ મદદ પ્રાપ્ત થશે.
રસ ધરાવતા અરજદારો સત્તાવાર IN-SPACE વેબસાઇટ દ્વારા તેમના પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સંપૂર્ણ અરજીઓ પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2026 છે.


