
ગીર સોમનાથ: દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી. તેમની સાથે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી તેમજ મુંબઈથી આવેલા ખાસ મહેમાનો અને પરિવારજનો પણ જોડાયા હતા. મંદિરમાં પ્રવેશ બાદ અંબાણી પરિવારે શિખર દર્શન તેમજ ગર્ભગૃહમાં જઈ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી. મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો અને સોમેશ્વર પૂજા સાથે વિશેષ અર્ચના પણ કરવામાં આવી. મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે આ ધાર્મિક વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી.દર્શન પૂર્ણ થયા બાદ મંદિર પરિસર છોડતા સમયે મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને મીડિયાને “જય સોમનાથ… હર હર મહાદેવ” કહી અભિવાદન કર્યું હતું. દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારને પોતાની વચ્ચે જોઈ અન્ય શ્રદ્ધાળુઓમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુકેશ અંબાણી પરિવાર ખાસ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે પહોંચ્યો હતો, જ્યાંથી તેઓ સીધા જ સોમનાથ મંદિર પરિસર પહોંચ્યા. મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય અધિકારીઓ દ્વારા અંબાણી પરિવારનું પરંપરાગત અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


