નવી દિલ્હી : નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલ્યું છે. સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે. તેમણે વધુમાં લખ્યું છે કે દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે. આઝાદ આટલેથી ના રોકાયા અને તેમણે વધુમાં લખ્યું છે કે રાહુલની એન્ટ્રી પછી સિનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. બિનઅનુભવી લોકો તેમનું નવું ગ્રુપ ઊભું કરી રહ્યા છે અને તે લોકો જ પાર્ટી ચલાવી રહ્યા છે. કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો.સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે, એને પગલે તેમણે નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે. પાંચ મહિના પહેલાં પાંચ રાજ્યમાં મળેલી ખરાબ હાર પછી ગુલામ નબી આઝાદના ઘરે કોંગ્રેસના અસંતુષ્ટ G-23 ગ્રુપની ડિનર મીટિંગ થઈ હતી. એ પછી પાર્ટીમાં નેતૃત્વને લઈને વિદ્રોહની અટકળો શરૂ થઈ ગઈ હતી. CWCની બેઠકમાં સોનિયા અને રાહુલ-પ્રિયંકાએ પોતાના રાજીનામાની વાત કરી હતી, જેને બેઠકમાં જ નેતાઓએ ઠુકરાવી દીધી હતી. જોકે ત્યારથી G-23 ગ્રુપ લોકસભા ચૂંટણી માટે ભરોસાપાત્ર વિકલ્પ રજૂ કરવાની વાત કરી રહ્યું હતું. એનાથી પાર્ટીમાં ફૂટનો ખતરો હતો. જોકે પછીથી આ ખતરો ટળી ગયો હતો. 10 જનપથ પર સોનિયા ગાંધી અને ગુલામ નબી આઝાદ વચ્ચે મુલાકાત થઈ હતી. મુલાકાત પછી આઝાદે કહ્યું હતું કે સોનિયા વચગાળાના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. મેં પાર્ટીની મજબૂતાઈ માટે કેટલાંક સૂચનો કર્યા છે. તેમની માગ પર સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેને હું જાહેર ન કરી શકું.આઝાદે પાર્ટીને એ સમયે ઝટકો આપ્યો, જ્યારે તેમના 20 વફાદારે પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના પદેથી રાજીનામું આપ્યું હતું. આ રીતે આઝાદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટીમાં તેઓ પોતાની સ્થિતિ મજબૂત કરવા લાગી ગયા હતા. જોકે હાઈકમાન્ડે નમી જવા કરતાં તેમના રાજીનામાને જ સ્વીકારી લીધું. કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પ્રશંસા PM મોદી પણ કરી ચૂક્યા છે. આ પ્રસંગ હતો ફેબ્રુઆરી 2021માં ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાયનો. ત્યારે PM મોદીએ ગુલામ નબી સાથે પોતાની દોસ્તીનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાની કહાની સંભળાવી હતી. PM મોદીએ કહ્યું, એક મિત્ર તરીકે ગુલામ નબીજીનો આદર કરું છું. મને વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, તેમની નમ્રતા, આ દેશ માટે કંઈક કરવાની, તેમને શાંતિથી બેસવા દેશે નહિ. મને વિશ્વાસ છે કે તેઓ જે પણ જવાબદારી સંભાળશે એમાં તેઓ જરૂર વેલ્યુ એડિશન કરશે, કન્ટ્રિબ્યુશન કરશે અને એનાથી દેશને લાભ થશે. એવો મને પાક્કો વિશ્વાસ છે.