સુરતમાં CR પાટીલે કહ્યું- એક ભાઈ આવીને મફતમાં બધું આપવાની વાત કરે છે, જાળમાં ફસાશો નહીં

0
10
સુરતના ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિ દિવસીય એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે વેપારીઓને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. મફત વીજળી આપવાની વાત કરે છે.

સુરત : સુરતના ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્રિ દિવસીય એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે વેપારીઓને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે. મફત વીજળી આપવાની વાત કરે છે પરંતુ એ વીજળી આપશે ખરાં એ પણ સવાલ છે. ગુજરાતની જનતાને ફ્રીમાં આપવાની લાલચ આપનારની જાળમાં કોઈએ ફસાવું નહીં તેવો કટાક્ષ પણ વધુમાં પાટીલે કર્યો હતો. સભાને સંબોધતા સી આર પાટીલે કહ્યું કે ગુજરાતમાં ટ્રીટેડ પાણીનો ભાવ એક રૂપિયો ને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. એટલે ગુજરાતની જનતાને ફ્રીમાં પાણી આપવાની લાલચ ન આપો. એક ભાઈ આવીને કહે છે કે અમે ફ્રીમાં વીજળી આપીશું. પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે. ગુજરાતના યુવાઓને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરી સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી.ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. કોરોના દરમિયાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા. કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં તેમ વધુમાં પાટીલે જણાવ્યું હતું