નવી દિલ્હી : કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો જેનાથી દરેક વ્યક્તિ વાકેફ હતી. એવામાં કોરોના વિરુદ્ધ વેક્સિનને જ સૌથી મહત્ત્વપૂર્ણ હથિયાર મનાઈ હતી. હવે ભારત બાયોટેક દ્વારા દેશમાં જ વિકસાવાયેલ પ્રથમ ઈન્ટ્રાનેઝલ કોવિડ-19 વેક્સિન iNCOVACC ૨૬ જાન્યુઆરીથી લોકોને આપવાની શરૂઆત કરાશે. કંપનીના અધ્યક્ષ અને એમડી કૃષ્ણા ઈલ્લાએ આ મામલે માહિતી શેર કરી હતી. ભોપાલમાં આયોજિત આઈઆઈએસએફમાં વિદ્યાર્થીઓ સાથેના સંવદામાં ઈલ્લાએ કહ્યું કે ઢોર-ઢાંખરને થઈ રહેલા ચામડીના રોગ લમ્પી માટે પણ દેશમાં જ વિકસાવાયેલ વેક્સિન લમ્પી પ્રોવેકઈંડને આગામી મહિનેથી આપવાની શરૂઆત કરાશે. મૌલાના આઝાદ નેશનલ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં આયોજિત આઈઆઈએસએફના વિજ્ઞાનમાં ફેસ ટૂ ફેસ વિથ ન્યૂ ફ્રન્ટીયર કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં માહિતી આપતા ઈલ્લાએ કહ્યું કે અમારી નેઝલ વેક્સિન જેને નાક વડે આપી શકાશે તેને સત્તાવાર રીતે દેશના ૨૬માં પ્રજાસત્તાક દિવસ પર લોન્ચ કરાશે. ભારત બાયોટેકે ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે ઈન્ટ્રાનેઝલ વેક્સિનનો એક ડૉઝ 325 રૂ.માં વેચવામાં આવશે. જોકે ખાનગી હોસ્પિટલ કે વેક્સિનેશન સેન્ટર માટે તેની કિંમત પ્રતિ ડૉઝ 800 રૂ. રહેશે.