ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ હવે ફરી રિકવર થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની વેબસાઇટમાં આપવામાં આવેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં છેલ્લા ત્રણ મહિનામાં બિલ્ડર્સ અને ડેવલપર્સે રૂ. 13508 કરોડના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. એપ્રિલ-જૂન દરમિયાન લોન્ચ થયેલા કુલ પ્રોજેક્ટ્સમાંથી રૂ. 6285 કરોડના પ્રોજેક્ટ્સ તો એકલા અમદાવાદમાં શરૂ થયા છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, કોવિડ બાદ લોકોની માનસિકતા બદલાઈ છે. જે લોકો પહેલા નાના ઘરમાં રહેતા હતા તેઓ હવે મોટું ઘર લઈ રહ્યા છે અને એને કારણે ડેવલપર્સ નવું સાહસ કરવાનું જોખમ લઈ રહ્યા છે.અમદાવાદના અરાઇઝ ગ્રુપના વર્ષિશ પટેલે રિયલ એસ્ટેટમાં આવી રહેલા રોકાણ અંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે કોરોના આવ્યા બાદ રહેણાકમાં માગ વધી છે. લોકોની માનસિકતા બદલાતાં જે લોકો 1 BHKમાં રહેતા હતા તેઓ 2 BHKમાં શિફ્ટ થઈ રહ્યા છે. ફરવા નથી જવાતું તો એમિનિટી વધારે હોય તેવા પ્રોજેક્ટ્સમાં જઈ રહ્યા છે. આ સિવાય અપર મિડલ ક્લાસ ફ્લેટમાંથી બંગલો કે ફાર્મ હાઉસ કોન્સેપ્ટ તરફ વળ્યા છે. આ બદલાવને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું સાહસ કરી રહ્યા છે. આ સિવાય ગત વર્ષની તુલનાએ અત્યારે રેસિડેન્સમાં ડિમાન્ડ સારી છે તેથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ આવી રહ્યું છે.ગુજરાત રેરાની વેબસાઇટમાં બતાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં એપ્રિલથી અત્યારસુધીમાં રૂ. 13,508 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે. આમાંથી રૂ. 6285 કરોડના પ્રોજેક્ટ્સ અમદાવાદમાં શરૂ થયા છે. આ સિવાય વડોદરા રૂ. 2500 કરોડ, સુરત રૂ. 1711 કરોડ અને ગાંધીનગરમાં રૂ. 1135 કરોડના પ્રોજેક્ટ શરૂ થયા છે. રાજ્યમાં રૂ. 4,444 કરોડના રેસિડેન્શિયલ અને રૂ. 6,919 કરોડના મિક્સ (રહેણાક અને કોમર્શિયલ ભેગા) પ્રોજેક્ટ લોન્ચ થયા હતા. કોમર્શિયલમાં રૂ. 1962 કરોડનું રોકાણ આવ્યું હતું.ગાંધીનગર નક્ષત્ર ગ્રુપના ઉત્પલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના શાહીબાગ, મણિનગર જેવા જૂના વિસ્તારમાં રહેતા લોકો હવે ગાંધીનગર તરફ આવી રહ્યા છે અને એને કારણે ગાંધીનગર વિસ્તારમાં ઘણા નવા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. આ સિવાય ઇન્ફોસિટી અને ગિફ્ટસિટીમાં IT ઇન્ડસ્ટ્રીમાં કામ કરના લોકો સરગાસણ, રાયસણ આસપાસના વિસ્તારોમાં ઘર ખરીદી રહ્યા છે. PDPU, GNLU તેમજ IIT હોવાથી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણનું હબ બન્યું છે. ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગ હેઠળ ઘણી નવી જમીન ખુલ્લી થઈ છે, જેથી ત્યાં નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. આજે પણ અમદાવાદની તુલનાએ ગાંધીનગર વધારે શાંત છે અને એટલે જ લોકો અહી રહેવાનું પસંદ કરી રહ્યા છે. આ વાતના લીધે ગાંધીનગરમાં નવા પ્રોજેન્ટસ વધ્યા છે.
રિયલ એસ્ટેટમાં રોકાણ :ગુજરાતમાં ત્રણ મહિનામાં 501 પ્રોજેક્ટ્સમાં રૂ. 13,500 કરોડથી વધુ રોકાણ
Date: