જમ્મુ-કાશ્મીરમાં રોજ કોઈને કોઈ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શનિવારે સવારે શ્રીનગરના કુલુગામમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 3 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ અહીં પાંચ શંકાસ્પદ લોકો છુપાયા હોવાની સેનાને માહિતી મળી છે.જોકે હજુ ઠાર કરવામાં આવેલા આતંકીઓની લાશનો કબજો લઈ શકાયો નથી. શ્રીનગરના ચૌગામ કાજીગુંડમાં એન્કાઉન્ટરના કારણે બારમુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે. પોલીસ અને સેના દ્વારા હજી સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલુ છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કાશ્મીરમાં કુલુગામ જિલ્લાના ચૌગામમાં એક અભિયાનમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ખાનગી સુચનાના આધારે ચૌગામમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. તેથી શનિવારે આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓએ સેના ઉપર ગોળી ચલાવવાનું શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.
આ દરમિયાન ખીણ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેવી શંકાએ રેલ સેવા સ્થગીત કરી દેવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે, બારામૂલા-કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવા સ્થગીત કરી દેવામાં આવી છે.
આ પહેલાં પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં સેનાએ આતંકી પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમાં એક જ દિવસમાં 8 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ખીણના રિયાસી જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષાબળોમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં નગરોટાના પોલીસ અધિકારીના 12 કર્મચારીઓ ઘાયલ થઈ ગયા હતા. સેનાએ સોપોરમાં 2 અને LOCના કેરણ સેક્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા