98 વર્ષની ઉંમરે ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું અવસાન | દિલીપ કુમારે બુધવારે સવારે 7:30 કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા | દિલીપ કુમારે સાંજે 5 વાગે જુહૂમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
મુંબઇ:
હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારના અવસાનથી બોલિવુડ સહિત દેશભરમાં શોકની લાગણી વ્યાપી છે અને અનેક દિગ્ગજોએ તેમને નમન પાઠવ્યા હતા. દિલીપ કુમારે બુધવારે સવારે 7:30 કલાકે મુંબઈના ખાર ખાતે આવેલી હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના ડૉ. પાર્કર જે તેમની સારવાર કરી રહ્યા હતા તેમણે દિલીપ કુમારના અવસાનની પૃષ્ટિ કરી હતી. દિલીપ કુમારને છેલ્લા એક મહિનામાં 2 વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ગત 5 જુલાઈના રોજ દિલીપ કુમારના ટ્વીટર હેન્ડલ પરથી તેમની હેલ્થ અપડેટ આપવામાં આવી હતી. દિલીપ કુમારના પત્ની સાયરા બાનોએ દિલીપ કુમારની તબિયતમાં સુધારો હોવાનું નિવેદન આપ્યું હતું. વધુમાં લખ્યું હતું કે, તમે તમારી દુઆઓમાં તેમને સામેલ કરો. પરંતુ તે હેલ્થ અપડેટના 2 દિવસ બાદ દિલીપ કુમાર આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે.
વડાપ્રધાન મોદીએ દિલીપ કુમારે સાયરાબાનો સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી. તેમણે સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ હતા. આ જ કારણે તેમના ચાહકો દરેક ઉંમરના હતા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટો ઝટકો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે.
અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે તે માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું…’