સુરત: સુરતમાં પ્રથમવાર પુરુષના માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી મહિલા બનાવવા થઈ છે. એમાં એક પુરુષને મહિલા તરીકે શારીરિક રૂપ આપવામાં આવ્યું છે. મુંબઈમાં જન્મેલા અને રહેતા આરવ પટેલે 20 લાખ રૂપિયાના ખર્ચે 10 સર્જરી કરાવી છે, જેથી તે પુરુષમાંથી મહિલા (આયશા) બની ગયો છે. આરવે આ સર્જરી સુરત ખાતે કરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરવના લગ્ન એક યુવક સાથે થયા હતા. ત્યાર બાદ બંનેએ પોતાની મરજીથી સર્જરી કરાવી એક(આરવ)ને મહિલા બનવાની સંમતિ આપી હતી.આરવ જ્યારે નાનો હતો ત્યારે તેને છોકરાઓની જગ્યાએ છોકરીઓનાં વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમતા હતા. તેને ઢીંગલીઓ વધારે ગમતી હતી. નાનાપણમાં ખબર ન હતી કે તેને આવું શા માટે થઈ રહ્યું છે. પરિવારે તેના લગ્ન પણ બળજબરીથી એક યુવતી સાથે કરાવી તો દીધા પણ આખરે તેને છૂટાછેડા લેવા પડ્યા હતા. આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે, પરંતુ અંદરથી એક મહિલા છે.આરવ પટેલની સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંનેની સંમતિથી મહિલા બનવાની સર્જરી કરાઈ હતી. આરવ પટેલ એટલે આયશા પટેલે જણાવ્યું હતું કે જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેને ખબર પડી કે તેને છોકરાઓને ગમતી વસ્તુ નહીં, પરંતુ છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ છે. હું પહેલેથી જ જાણતો હતો કે મારી અંદર એક મહિલા છે. મેં મારા પતિ સાથે વાત કરી અને પછી અમે નક્કી કર્યું કે હવેથી હું એક મહિલા બની જઈશ. હું ખૂબ જ ખુશ છું કે મેં જે સ્વપ્ન જોયું હતું એ સાકાર થયું છે અને હું સંપૂર્ણપણે સ્થાયી જીવન જીવી રહી છું. હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું.
રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ
સુરતમાં પ્રથમવાર કોઇ પુરુષને સ્ત્રી સંપૂર્ણ રીતે બનાવવામાં આવી હોય એવી સર્જરી કરાવી છે. અત્યારસુધી અમદાવાદ-વડોદરા મુંબઈમાં સર્જરી થતી હતી. ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. પેનેલમાં સામેલ પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડરનો અર્થ છે કે આપણે નિયમિત રીતે એક પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનાવવાની સર્જરી, પરંતુ બોટમ સર્જરી એટલે કે સેક્સ ચેન્જ માટેની છેલ્લી સર્જરી, અમે સુરતમાં પહેલીવાર કરી છે. સર્જરીમાં મોટા આંતરડામાંથી યોનિમાર્ગ બનાવવા માટે રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી થાય છે. સૌપ્રથમ આપણે તેની બ્રેસ્ટ સર્જરી કરીએ છીએ, જેમાં સ્તન બનાવવામાં આવે છે અથવા જો તે સ્ત્રી હોય તો તેનાં સ્તનને દૂર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. નાની સર્જરીઓ પણ છે, જે તેને સંપૂર્ણપણે રૂપાંતરિત કરવા માટે કરવામાં આવે છે.રોહન અને આરવ વચ્ચેનો પ્રેમ પાંગરવા લાગ્યો. અને તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જોકે રોહનના સહકાર અને વિશ્વાસથી આરવે પોતાની સર્જરી કરવાનું નક્કી કર્યું. અને એ પણ સંપૂર્ણ સર્જરી, જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધી તે એક સ્ત્રીમાં પરિવર્તિત થયો હતો. અત્યારસુધી આ સર્જરીઓ દેશનાં અલગ અલગ શહેરોમાં થતી હતી, પણ સુરતમાં પહેલીવાર આ સર્જરી થઈ હતી. સતત બે વર્ષ સુધી ચાલ્યા બાદ 1 મહિના પહેલાં આ સર્જરી સંપૂર્ણ કરવામાં આવી હતી અને આજે આરવ આયશા બની ગઈ છે.