મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોંગ્રેસનેતાએ કહ્યું હતું કે “હું મોદીને મારી શકું છું અને તેને ગાળો પણ આપી શકું છું.” હવે તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતાએ તેમની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. પટોલેના આ નિવેદન પછી ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો છે.
કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ શું કહ્યું
ભંડારા જિલ્લામાં પોતાના સમર્થકો સાથે વાત કરતાં નાનાએ કહ્યું, “હું જણાવું છું કે હું કેમ લડતો અને સંઘર્ષ કરતો રહ્યો છું? હું 30 વર્ષથી રાજકારણમાં છું. આ નેતા લોકો 5 વર્ષમાં પોતાની એક પેઢીનો ઉદ્ધાર કરી લે છે. સ્કૂલ-કોલેજનું નિર્માણ કરીને પોતાની એક-બે પેઢીનો ઉદ્ધાર કરી લે છે. હું આટલાં વર્ષોથી રાજનીતિ કરી રહ્યો છું, પરંતુ એક સ્કૂલ મારા નામે નથી. મેં એકપણ કોન્ટ્રેક્ટ નથી લીધો. જે પણ લોકો મદદ માટે આવ્યા તેમને હંમેશા મદદ કરી. તેથી હું મોદીને મારી શકું છું અને તેને ગાળો પણ આપી શકું છું. તેથી મોદી મારી વિરુદ્ધ અહીં પ્રચાર માટે પણ આવ્યા ન હતા. મારા રૂપે તમારી સામે એક પ્રામાણિક લીડરશિપ છે. તેથી આ લોકો (વિપક્ષ) પોતાની રણનીતિ બનાવવા મને ચક્રવ્યૂહમાં ફસાવવાનો પ્રયાસ કરે છે.”
વિવાદ વધ્યો તો પટોલેએ પલટી મારી
વિવાદાસ્પદ નિવેદનને કારણે સાણસામાં આવતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તેમજ ધારાસભ્ય નાના પટોલેએ પોતાના નિવેદનથી ફેરવી તોળ્યું હતું. તેમણે કહ્યું, “મારા મત વિસ્તારમાં લોકોએ મોદી નામના સ્થાનિક ગુંડા અંગે ફરિયાદ કરી હતી. હું તેના વિશે બોલી રહ્યો હતો. આ વાતનો વીડિયો બનાવીને મારી વિરુદ્ધ ષડયંત્ર કરીને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.” પટોલેએ પોતાના બચાવમાં કહ્યું, “હું એક વખત ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે મેં ત્યાં જે પણ કંઈ કહ્યું, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે નહીં, પરંતુ સ્થાનિક મોદી નામના ગુંડા અંગે કહ્યું હતું.”
ભાજપના પ્રદેશાધ્યક્ષે તમામ જિલ્લાધ્યક્ષને વિરોધ કરવાનું કહ્યું
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ નિવેદનનો કડક શબ્દોમાં વિરોધ કરતાં પાર્ટીના જિલ્લાધ્યક્ષોને પટોલે વિરુદ્ધ આક્રમક થવાના નિર્દેશ આપ્યા છે. ચંદ્રકાંત પાટીલે સોમવારે કહ્યું હતું કે ભાજપ આ પ્રકારનાં નિવેદનોને સહન નહીં કરે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે “જો હું ત્યાં હોત તો તેના મોઢા પર જોરદાર તમાચો મારી દેત.” તેમના આ નિવેદનને લઈને મહાવિકાસ આઘાડી સરકારે રાણે વિરુદ્ધ FIR દાખલ કરાવીને તેમની ધરપકડ કરી હતી. ત્યારે હાલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પટોલેએ વડાપ્રધાનની વિરુદ્ધમાં જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેના માટે તેમની વિરુદ્ધ પણ કેસ દાખલ થવો જોઈએ.
કોંગ્રેસને રાજકીય પક્ષ કહીએ કે ભય ફેલાવનારું સંગઠનઃ ફડણવીસ
નાના પટોલેની સ્પષ્ટતાને ભાજપ સ્વીકારવા તૈયાર નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “કોંગ્રેસને હવે રાજકીય પક્ષ કહીએ કે ભય ફેલાવનારું સંગઠન? એક સમયે સ્વતંત્રતા આંદોલનમાં સામેલ રહેલી કોંગ્રેસ એટલા નીચલા લેવલે જતી રહી છે કે સત્તા મેળવવા માટે કંઈપણ કરી શકે છે અને કંઈપણ બોલી શકે છે.”
તેમને કહ્યું હતું કે પાકિસ્તાનની સરહદની પાસે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને 20 મિનિટ સુધી રોકી રાખવામાં આવે છે. આ ગંભીર ઘટનાને ત્યાંના કોંગ્રેસના મુખ્યમંત્રી કોઈ મધ્યસ્થી પણ નથી કરતા અને હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વડાપ્રધાન માટે આવું આપત્તિજનક નિવેદન આપે છે. તેમણેએ પટોલેની મજાક ઉડાવતાં કહ્યું હતું કે નાનાભાઉ માત્ર શારીરિક ઊંચાઈ વધી જાય એ પૂરતું નથી, પરંતુ વૈચારિક અને બૌદ્ધિક ઊંચાઈ પણ એટલી જ જરૂરી છે