સુરત : સુરતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો નથી. ચોમાસુ શરૂ થઇ ગઇ હોવા છતાં જે પ્રકારે દર વર્ષે વરસાદ પડે છે તેવો વરસાદ હજુ સુધી પડ્યો નથી. જેથી લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોએ ભારે ઉકળાટમાંથી ઠંડકનો અનુભવ કર્યો હતો. વરાછા વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે સવારમાં કામકાજ પર જતા લોકોને મુશ્કેલીનો અનુભવ કરવો પડયો હતો. વરસતા વરસાદમાં લોકોએ બ્રિજ નીચે વાહનો ઉભા રાખવાની ફરજ પડી હતી તો ઘણા લોકોએ પલળતા પલળતા ઓફિસ કે કામકાજના સ્થળે જવાની ફરજ પડી હતી. જોકે વરસાદના પગલે શહેરીજનો ઠંડકનો અનુભવ કર્યો હતો.ધીમે ધીમે ચોમાસુ જામતા અને વરસાદ પડતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે. ધીમીધારે વરસે તો વરસાદ ખેતી માટે ફાયદાકારક હોવાથી ખેડૂતો તેને કાચું સોનું વરસી રહ્યું હોવાનું માની રહ્યા છે. તથા આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ પડે તેવી આશા ખેડૂતો લગાવી રહ્યા છે.