માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્રિએટિવિટીના નામે અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી
આ અંગે સરકાર સુધી અનેક પ્રકારની ફરિયાદો પહોંચી રહી છે
કેન્દ્ર સરકાર OTT પ્લેટફોર્મ પર પ્રસારિત અશ્લીલ કન્ટેન્ટ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદ પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્રિએટિવિટીના નામે અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ ચલણને રોકવા માટે સરકાર કડક પગલાં લેતા જરાય અચકાશે નહીં. એક પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતા કન્ટેન્ટમાં અશ્લીલતા અને અભદ્ર ભાષાના ઉપયોગ સાથે સંબંધિત ફરિયાદો પર ગંભીરતાથી વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મને અશ્લીલતા માટે નહીં પણ ક્રિએટિવિટી માટે સ્વતંત્રતા આપવામાં આવી છે. જ્યારે કોઇ હદ વટાવે છે ત્યારે ક્રિએટિવિટીના નામે અપશબ્દો બોલવા કે અભદ્રતા કરવી ક્યારેય સ્વીકારી નહીં લેવાય. તેમણે કહ્યું કે જો નિયમોમાં ફેરફાર કરવાની જરૂર પડશે તો માહિતી તથા પ્રસારણ મંત્રાલય આ મામલે કાર્યવાહી કરવામાં જરાય ખચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં OTT પ્લેટફોર્મ પર અનેક પ્રકારની વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મ્સ જોવા મળી રહી છે, જેમાં વાંધાજનક કન્ટેન્ટ આપવામાં આવી રહ્યા છે. આ અંગે સરકાર સુધી અનેક પ્રકારની ફરિયાદો પહોંચી રહી છે.