રાજકોટ : રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળીયામાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 750 બેડની અત્યાધુનિક ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું આજે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે. પીએમ મોદીએ રાજકોટ AIIMSનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ આજે સવારે 9.30 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાથી 9.50 કલાકે ખંઢેરી માં એઈમ્સના ખાતમૂહર્તમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજકોટ AIIMSની આધારશિલા રાખી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. પીએમ મોદીએ ગુજરાતમાં કેવી ઠંડી છે, ત્યાંથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ કોરોના વેક્સિનને લઈને ભરોસો અપાવ્યો હતો કે ભારતમાં ખૂબ ટૂંક સમયમાં કોરોના વેક્સીનની મંજૂરી મળશે અને સૌથી મોટું ટિકાકરણ અભિયાન ચલાવવામાં આવશે.
કોરોના વેક્સીનને લઈને પીએમ મોદીએ જણાવ્યું કે, નવું વર્ષ 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છે, ભારતમાં વેક્સીનને લઈને દરેક જરૂરી તૈયારીઓ ચાલી રહી છે. વેક્સીન દેશના તમામ વર્ગ સુધી પહોંચે તેના માટે બનતી તમામ કોશિશો અંતિમ ચરણમાં છે. વડાપ્રધાને જણાવ્યું કે, વર્ષ 2020માં અનેક કોરોના વૉરિયર્સે પોતાના જીવ ગુમાવ્યા છે, વર્ષના છેલ્લા દિવસે હું તેમને નમન કરું છું. આખું વર્ષ દેશના અલગ અલગ ભાગોમાં લોકોએ કોઈને પણ ભૂખ્યું સૂવા દીધું નથી અને તેમની સેવા કરી છે. ભારત જ્યારે એકજુથ થાય છે ત્યારે મુશ્કેલમાં મુશ્કેલ પણ સંક્ટનો સામનો કરવાની શક્તિ ધરાવે છે, અને તે આપણે સાબિત કર્યું છે. ભારતે સમય રહેતા સારા નિર્ણયો લીધા જેના કારણે આજે આપણી સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે. કોરોનાને હરાવવામાં અન્ય દેશોના મુકાબલે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે.