અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી ધરપકડ મામલે વધુ ઉગ્ર બને એ પહેલાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી AAPના મોટા નેતાઓની અટકાયત શરૂ કરવામાં આવી છે. મોડી રાતથી જ પોલીસ તમામ AAPના નેતાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી રાખ્યા છે. ત્યારે ‘આપ’ના નેતાઓને છોડાવવા માટે જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલિયાના જામીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતા. વકીલ દ્વારા જામીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં આવ્યા છે, પણ તેમને ડિટેઇન કરતાં હવે AAPના કાર્યકરોના વકીલ કોણ બનશે એ સામે પ્રશ્ન ઊભો થયો છે.AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. એ મામલે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગઈકાલે ખુદ પોલીસ જ અમારી વિરુદ્ધમાં હતી. ત્યારે હવે પોલીસ પર જ અમને ભરોસો નથી, જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું. જુદા જુદા જિલ્લામાંથી અટકાયત થયેલા AAPના તમામ નેતાઓ અને કાર્યકરો આજે એક દિવસના પ્રતીક ધરણાં કરી ભાજપ સરકારની તાનાશાહીનો વિરોધ નોંધાવશે. સાબરકાંઠા જિલ્લામાંથી પોલીસે મોડી રાત્રે અને વહેલી સવારે AAPના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યા હતા.ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.