રાહુલ ગાંધી જશે અમેરિકા! દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે પાસપોર્ટ માટે આપી ‘NOC’

0
5
રાહુલ ગાંધીએ કોર્ટ પાસે પાસપોર્ટ મેળવવા માટે NOC મેળવા કરી હતી અરજી
તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે નવા પાસપોર્ટ માટે દાખલ કરેલી અરજીને મંજૂરી આપી હતી. એટલે કે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. રાહુલ ગાંધીએ કોર્ટને પાસપોર્ટ માટે NOC મેળવવા માટે અરજી કરી હતી. કોર્ટે ત્રણ વર્ષ માટે NOC જારી કરી છે. આ રીતે તેનો પાસપોર્ટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે. આ પહેલા તેમણે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સામાન્ય પાસપોર્ટ માટે એનઓસીની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પાસે 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. સ્વામીએ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ (રાહુલ ગાંધી) વારંવાર વિદેશ જાય છે. તેમના બહાર જવાથી તપાસમાં અવરોધ આવી શકે છે. આ વર્ષે માર્ચમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટ હેઠળ રદ્દ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા રદ કરાયા બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. હવે રાહુલને અમેરિકાના પ્રવાસે જવાનું છે. આવી સ્થિતિમાં તેમને આ માટે પાસપોર્ટની જરૂર છે. પરંતુ નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં તે જામીન પર બહાર છે. આવી સ્થિતિમાં તેમને નવા પાસપોર્ટ માટે એનઓસીની જરૂર છે અને આ માટે તેમણે કોર્ટમાં અરજી કરી છે.