લખનઊ: ઉત્તર અને દક્ષિણમાં રાજનીતિ વિશે રાહુલ ગાંધીએ ઊભા કરેલા વિવાદના જવાબમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડરા ભાગલાવાદી રાજરમત રમી રહ્યા હોવાની વાતે બંનેની ઝાટકણી કાઢી હતી. આદિત્યનાથે રાહુલની ટીકા કરતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાંથી અનેક વખત ચૂંટાઇ આવેલા રાષ્ટ્રીય પક્ષના નેતાનું ભાષણ હું સાંભળી રહ્યો હતો અને હવે એ કેરળમાં જઇને ઉત્તર પ્રદેશના લોકોની મજાક ઉડાવી રહ્યો છે તથા લોકો વચ્ચે ફૂટ પડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એણે આવું અગાઉ પણ કર્યું હતું. રાજ્યપાલના સંબોધન બાદ યોગીએ આ વાત વિધાનસભાની સંયુક્ત બેઠક વખતે કહી હતીરા હુલનું નામ લીધા વગર એમણે વધુમાં જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓની ભાગલાવાદી માનસિકતા દેશની સુરક્ષાની ઘોતક છે. આ માનસિકતા જ દેશની સુરક્ષા માટે ગંભીર ખતરા સમાન છે. અમેઠી અને ઉત્તર પ્રદેશે ગાંધી પરિવારને પર્યાપ્ત તકો આપી હતી, પણ તેઓ પોતાના મતદાર ક્ષેત્રને બદલે ઇટાલીમાં જવાનું વધુ પસંદ કરે છે. આ વખતે કૉંગ્રેસી નેતાઓએ ઘોંઘાટ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તેઓ અમેરિકાને એમ કહે છે કે ખરો ખતરો લશ્કરે તૈયબાથી નહીં, પણ દેશની અંદરની સંસ્થાથી છે. રાષ્ટ્રીય સંસ્થાનું નામ બગાડવું અને જ્યારે દેશના જવાનો સરહદ પર દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપતા હોય ત્યારે એમને હતોત્સાહ કરવા એ કેવી માનસિકતા છે?પ્રિયંકા ગાંધી વાડરાએ તાજેતરમાં મથુરાની મુલાકાત લીધી હતી અને આદિત્યનાથે પ્રિયંકા તરફ શબ્દસંધાન કરતા જણાવ્યું હતું કે આ કેવા સંસ્કાર છે કે તમે મંદિરમાં ત્યારે જ જાઓ છો, જ્યારે તમે રાજ્યમાં આવો છો અને પછી એવું નિવેદન જાહેર કરો છો કે તમે વૃંદાવનને બચાવશો.પ્રિયંકાએ કોવિડ-૧૯ લૉકડાઉન વખતે અટવાયેલા શ્રમિકોને ૧૦૦૦ બસમાં ઘરે પહોંચાડવાને મામલે આદિત્યનાથે જણાવ્યું હતું કે આ માનસિકતાની મને ચિંતા થાય છે. રોગચાળા વચ્ચે બસની ઑફર મજાક જેવી હતી. ઑફર સાંભળીને હું રાજી થયો હતો, પણ તપાસ કરતા જણાયું કે કૉંગ્રેસે બસના આપેલા નંબર તો સ્કૂટરો અને રિક્ષાઓના હતા. જો કૉંગ્રેસ વાહન આપવા માટે ગંભીર હોત તો શા માટે તેઓ કોટા, રાજસ્થાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવ્યા? શું કોઇ ચોક્કસ વ્યક્તિ કે કુટુંબને રોગચાળા વખતે લોકોની મજાક કરવાનો અધિકાર છે?