રાજસ્થાનમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરને જોતા રાજ્ય સરકારે કડક નિર્ણય કર્યો છે. આ વર્ષે પણ કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની આતશબાજી કરવા તેમજ ફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના ગૃહ વિભાગે આ અંગે આદેશ જાહેર કર્યો છે.
ગૃહ વિભાગના મુખ્ય સચિવ અભય કુમારે આદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, રાજસ્થાનમાં 1લી ઓક્ટોબર 2021થી 31 જાન્યુઆરી 2022 સુધી તમામ પ્રકારની આતશબાજી કરવા તેમજ ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આના માટે કોરોનાનું સંભવિત જોખમ કારણભૂત ગણાવવામાં આવે છે. આતશબાજીથી વાયુ પ્રદૂષણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. જેને પગલે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ ઉપરાંત કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં પણ પોસ્ટ કોરોના સંલગ્ન તકલીફો વધવાનો ખતરો રહે છે. આ માટે ફટાકડાના વેચાણ માટે અસ્થાયી લાયસન્સ ઈશ્યૂ કરવા સામે પણ રોક લગાવવામાં આવી છે. ફટકાડાના વેપારીઓએ સરકાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ફટાકડાના વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓના મતે જો સરકારને આતશબાજી પર લાગ લગાવવી હતી તો અસ્થાયી લાયસન્સ માટે પહેલા આવેદનો શા માટે મંગાવવામાં આવ્યા? આવેદનો મંગાવવામાં આવતા વેપારીઓએ એડવાન્સ પેમેન્ટ કરીને ફટાકડા ખરીદી લીધા છે. હવે સરકારે આતશબાજી પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે જેનાથી વેપારીઓને નુકાસન થશે. સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે ગત વર્ષે પણ કોરોના સંક્રમણને લીધે ફટાકડાના વેચાણ તેમજ આતશબાજી ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.