ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.જોકે છેલ્લાં 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું છે. વર્ષ 2010થી અત્યારસુધીના પરિણામમાં હવે વર્ષ 2022ના પરિણામની ટકાવારીએ રેકોર્ડ સર્જ્યો છે.
1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું
આ વખતે સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે, જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.ક્રિશા શાહ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારે 87.77 ટકા આવ્યા છે. કોરોના હતો છતાં અમે મહેનત કરી હતી. ધાર્યા કરતાં ઓછું પરિણામ છે, પરંતુ હું પરિણામથી ખુશ છું. હવે આગળ હું MBA કરીશ. આશા પંડ્યા નામની 12 કોમર્સની શિક્ષિકાએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા સરળ રહી હતી. પરિણામ પણ અગાઉ કરતાં ખૂબ જ સારું આવ્યું છે. પરિણામથી અમને અને વિદ્યાર્થીઓને સંતોષ છે. પાર્શ્વ શાહ નામનો વિદ્યાર્થીને સ્ટેટમાં 100, એકાઉન્ટમાં 96, અર્થશાસ્ત્ર 96, વાણિજ્યમાં 98 માર્ક્સ આવ્યા છે. હવે આગળ આઇટી ફિલ્ડમાં જઈને કરિયર બનાવવું છે.