હાર્દિકના ‘પાસ’ના સાથીએ કહ્યું: હાર્દિકને કારણે સમાજ નહીં, પણ સમાજને કારણે હાર્દિક હતો

0
30

અમદાવાદમાં 25 ઓગસ્ટે GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલન મુદ્દે અસંખ્ય પાટીદારો ભેગા થયા હતા. આ દરમિયાન સમગ્ર કાર્યક્રમની પોલીસ પરમfશન મેળવનાર હાર્દિક પટેલના સાથી અને ‘PAAS’ના કાર્યકર જગદીશ પટેલે જણાવ્યું હતું કે હવે ‘પાસ’ નવા રંગરૂપમાં આવશે. તેમણે કહ્યું હતું કે ભલે હાલ હાર્દિક પટેલ એવું માનતા હોય કે તેમને કારણે સમાજ છે, પણ સમાજને કારણે તેઓ હતા એ હવે સાબિત થઈ જશે.જગદીશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જ હાર્દિકે અસામાજિક તત્વોની જે વાત કરી હતી તેવું અમારે કંઈ જ નથી કરવું. અમારે સરકારનો કોઈ વિરોધ નથી કરવો કે જનતાની કોઈ પ્રોપર્ટીને પણ નુકસાન નથી કરવું. બીજા સમાજને પણ અણગમો થાય તેવું પણ અમારે કરવું નથી. અમારે સમાજનો વિકાસ થાય તે માટે કામ કરવું છે. સમાજના છોકરાને નોકરીની જરૂર હોય તો તે માટે કંઈક કરી શકીએ એ માટે પ્લાનિંગ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી એવું લાગતું હતું કે, હાર્દિકના કારણે બધું હતું પણ ખરેખર એવું નથી. આગળ જે પ્રકારે કામ થશે તેમાં ખબર પડી જશે. હાર્દિકને એવું લાગતું હોય કે એમના કારણે સમાજ હતો તો એવું નથી સમાજના કારણે એ હતાં એ સાબિત થશે.તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં ‘પાસ’ નવા રંગરૂપમાં આવશે. ‘પાસ’માં જોડાયેલા જે લોકો હતાં તેમાંથી અનેક લોકો રાજકીય પક્ષોમાં જોડાઈ ગયાં છે. હવે સંગઠનમાં એક નવી ટીમ બનાવવામાં આવશે. જેમાં કોઈ પ્રવક્તાનું કામ કરશે, કોઈ સંગઠનનું કામ કરશે. આ પ્રકારે એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેના માટે આગામી સમયમાં અમે એક મીટિંગ પણ બોલાવી છે. તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલને લઈને અમારે કશું નથી કરવું પણ અમારી જે માંગો છે તેને પુરી કરવા માટે અમે ફરીવાર નવા સંગઠનની રચના કરી રહ્યાં છીએ.