ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 12.55 કલાકે સેન્સેક્સ 1251 અંક ઘટી 57819 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 379 અંક ઘટી 17233 પર કારોબાર કરી રહ્યો છે. એને પગલે રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા છે. આ સિવાય નાયકા, ઝોમેટો અને PAYTM જેવી કંપનીઓના સ્ટોક પણ મોટા પ્રમાણમાં ધોવાયા છે. શેરબજારમાં ઘટાડાનો આ ટ્રેન્ડ સતત 5 દિવસથી ચાલી રહ્યો છે.
માર્કેટ કેપ 264 લાખ કરોડ થઈ
શુક્રવારે માર્કેટ 270 લાખ કરોડ રૂપિયા હતી, જે આજે 264 લાખ કરોડ રૂપિયા થઈ છે. બજાર ખૂલવાના પહેલા એક કલાકમાં જોરદાર વેચવાલી જોવા મળી છે.
બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, વિપ્રોના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 4.00 ટકા ઘટી 7078.00 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 3.75 ટકા ઘટી 1534.40 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, ICICI બેન્ક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 1.46 ટકા વધી 820.85 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 1.00 ટકા વધી 702.00 પર કારોબાર કરી રહ્યો છે.