મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલમાં ગોલ્ડ આયાતનો આંક ઊંચો રહ્યા બાદ મેમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આવનારા મહિનાઓમાં પણ આયાત નીચી રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને કારણે ટ્રેડરો ગોલ્ડની આયાત કરવા ખાસ ઉત્સુક નહીં હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.દેશમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવવાની શકયતા જોવાઈ રહી છે અને આ બે મહિના ભારતમાં તહેવારોના મહિના રહે છે. દેશમાં તહેવારો તથા લગ્નસરાની મોસમ માટે ટ્રેડરો સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં ગોલ્ડની આયાત કરીને સ્ટોકસ કરી લેતા હોય છે.કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરને કારણે પણ ગ્રાહકોની ખરીદશક્તિમાં આ વર્ષે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી તહેવારો તથા લગ્નસરાની મોસમ માટે સોનાની માગ નીકળવાની અપેક્ષા રખાતી નથી એમ સુત્રોએ જણાવ્યું હતું.વર્તમાન વર્ષના માર્ચમાં ૮.૪૦ અબજ ડોલર તથા એપ્રિલમાં ૬.૩૦ અબજ ડોલર રહ્યા બાદ ગોલ્ડ આયાત આંક મેમાં ઘટી માત્ર ૦.૬૦ અબજ ડોલર રહ્યો હતો.કોરોનાની મહામારીને કારણે સતત બીજા વર્ષે પણ આર્થિક મંદી, રોજગાર તથા પગારમાં કાપ જેવા કારણોસર ગોલ્ડની માગ પર અસર પડી રહી છે. શહેરી મધ્યમ વર્ગ તરફથી ગોલ્ડની માગમાં જોરદાર ઘટાડો થયો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગોલ્ડની આયાત ૨૨.૫૮ ટકા વધી ૩૪.૬૦ અબજ ડોલર રહી હતી. ગોલ્ડની માગમાં ઘટાડો થવાનું અન્ય અક કારણ શેરબજારની તેજી પણ રહેલું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં દસ ગ્રામના રૂપિયા ૫૭૦૦૦ સુધી ગયા બાદ ગોલ્ડના ભાવ હાલમાં ટોચની સપાટીએથી ૧૫ ટકાથી વધુ તૂટી ગયા છે, જ્યારે શેરબજારમાં નોધપાત્ર ઉછાળો જોવાયો છે.
કોરોનાની ત્રીજી લહેર: શેરબજારની તેજીની સોનાની માગ પર અસર થશે, તહેવારો તથા લગ્નસરાની માગ નબળી રહેવાની ગણતરીએ ટ્રેડરો આયાત માટે નિરૂત્સાહી
Date: