
શહેરનાં ભાઇપુરા વિસ્તારમાં આવેલી અને નિર્દોષ વિદ્યાર્થીની હત્યાનાં મામલે ચર્ચાનાં ચગડોળે ચઢેલી સેવન્થ ડે સ્કૂલ માટે મ્યુનિ. પ્લોટ અપાયા બાદ લીઝની અનેક શરતોનો ભંગ થયો હોવાનુ જણાતાં મ્યુનિ. ટાઉન પ્લાનીંગ કમિટીએ એસ્ટેટ ખાતાને સેવન્થ ડે સ્કૂલ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી છે.મ્યુનિ. ટાઉન પ્લાનીંગ કમિટીની બેઠક બાદ ચેરમેન પ્રિતેશ મહેતા અને ડે.ચેરમેન વાય.કે.પટેલે જણાવ્યું હતું કે, સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો અતિગંભીર છે અને તેમાં સ્કૂલનાં વહિવટીતંત્રની ઘોર બેદરકારી પણ છતી થઇ છે. તેમજ તમામ વાલીઓએ સેવન્થ ડે સ્કૂલ સામે મ્યુનિ. દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. તેને ધ્યાને લઇ સ્થાનિક વોર્ડનાં કોર્પોરેટર અને ટીપી કમિટી સભ્ય કમલેશભાઇ પટેલ દ્વારા સેવન્થ ડે સ્કૂલને મ્યુનિ. દ્વારા આપવામાં આવેલાં પ્લોટની લીઝની વિગતો માંગવામાં આવી હતી.તેમણે કહ્યું કે, ટીપી કમિટીમાં સેવન્થ ડે સ્કૂલ સાથે થયેલાં લીઝ એગ્રીમેન્ટ સહિતની વિગતો એસ્ટેટ ખાતા દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં લીઝ એગ્રીમેન્ટની અનેક શરતોનો ભંગ થયેલો જણાયો છે. ટીપી કમિટી ચેરમેને કહ્યું કે, લીઝ ઉપર અપાયેલાં પ્લોટ માટે એનએ સહિતની પ્રક્રિયા પૂરી કરી સર્ટિફિકેટ રજૂ કરાયા નથી. તેવી જ રીતે લીઝમાં સ્પષ્ટ લખેલુ હોય છે કે, જે તે હેતુ માટે પ્લોટ ફાળવાયો હોય તે હેતુસરનુ બાંધકામ થઇ શકશે અને તેના પ્લાન મ્યુનિ.માં પાસ કરાવીને બીયુ મેળવવાની રહેશે. પરંતુ સેવન્થ ડે સ્કૂલ દ્વારા વધારાનુ બાંધકામ કરવામાં આવ્યુ તેના મ્યુનિ.માં પ્લાન પાસ કરાવ્યા નહોતા અને ચોંકાવનારી વિગત એ છે કે, વર્ષ ૨૦૨૪માં તેની ઇમ્પેક્ટ ફી પણ ભરાવી દેવાઇ છે.તેમણે સ્વીકાર્યુ કે, સેવન્થ ડે સ્કૂલનાં ગેરકાયદે બાંધકામને જે તે સમયે અટકાવવામાં નિષ્ફળતા છતી થઇ છે અને લીઝ એગ્રીમેન્ટ મુજબ કાર્યવાહી કરવાને બદલે ઇમ્પેક્ટ ફી ભરાવાઇ તે બદલ પૂર્વ ઝોનનાં એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. તેથી સેવન્થ ડે સ્કૂલનાં સંચાલકોની સાથે સાથે પૂર્વ ઝોનનાં જે તે સમયનાં એસ્ટેટ-ટીડીઓ અધિકારીઓ સામે પણ પગલા લેવાની ભલામણ કરાશે. ટીપી કમિટી ચેરમેને કહ્યું કે, મ્યુનિ.નાં સ્કૂલ હેતુ માટેનાં પ્લોટ લીઝ ઉપર આપવામાં આવે ત્યારે જે તે એજ્યુકેશન ટ્રસ્ટ કે એજ્યુકેશન સાથે સંકળાયેલી સંસ્થાને જ આપવામાં આવે છે. સેવન્થ ડે સ્કૂલનાં કિસ્સામાં ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવાન્ટીસ્ટ નામની સંસ્થાને પ્લોટ અપાયો છે. તેમજ મ્યુનિ.માં આ સંસ્થા દ્વારા જે ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા તેમાં અમુક ડોક્યુમેન્ટ ટ્રસ્ટનાં ના હોવાનુ ધ્યાને આવ્યુ છે. આ બાબત પણ લીઝની શરતોનો ભંગ છે કે કેમ તેની પણ તપાસ કરવા અને સેવન્થ ડે સ્કૂલ સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવાની સૂચના એસ્ટેટ ખાતાને આપવામાં આવી છે.


